એક્ટિંગ જ કરાય, પ્રોડ્યુસર બનું ત્યારે દેવાળુ ફૂંકાય છે : એકટર સની દેઓલ
સની દેઓલે ગદર ૨માં સની દેઓલે એક્ટિંગ કરી છે, પરંતુ પ્રોડક્શનથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. પ્રોડક્શનથી દૂર રહેવા અંગે સનીનું માનવું છે કે, ફિલ્મ પ્રોડક્શનના સમીકરણો ધરમૂળથી બદલાયા છે અને તેના કારણે પ્રોડક્શન સહેલું નથી. તે જ્યારે પણ ફિલ્મ પ્રોડ્યુસ કરે છે ત્યારે દેવાળુ ફૂંકવાનો વારો આવે છે. ભવિષ્યમાં ફિલ્મ પ્રોડક્શનથી દૂર રહેવાનો ર્નિણય સનીએ કર્યો છે. સની દેઓલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, દુનિયા બહુ અઘરી થઈ છે. વર્ષો પહેલાં ડિસ્ટ્રિબ્યુશન આટલું કપરું ન હતું. આ કામગીરી સાથે સંકળાયેલા લોકો સાથે સંપર્ક હતા.
આ ક્ષેત્રમાં કોર્પોરેટ્સના આવ્યા પછી અમારા માટે કંઈ બચ્યું નથી. કોઈ એક વ્યક્તિ માટે ટકી રહેવાનું મુશ્કેલ છે. ઘણું બધું પીઆર કરવું પડે અને આગળ-પાછળ ફરવું પડે ત્યારે તો માંડ નોંધ લેવાય છે. વળી, ફિલ્મ માટે જરૂરી હોય તેટલા સ્ક્રિન્સ પણ મળતા નથી. કોર્પોરેટ્સને વ્યક્તિઓની જરૂર નથી. પાછલા એક દસકામાં મારે ફિલ્મો માટે કપરા સમયનો સામનો કરવો પડે છે. મારે એક વિશેષ પ્રકારની ફિલ્મો કરવી છે, પરંતુ તેના માટે સપોર્ટ મળતો નથી. સનીએ એક્ટર તરીકે પોતાની જાતને સુખી જણાવતા કહ્યું હતું કે, અગાઉ હું પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ રહી ચૂક્યો છું. જાે કે એક સાથે ઘણાં બધા કામ કરવાનું અઘરું છે. તેથી મને લાગ્યું કે, બધું પડતું મૂકીને માત્ર એક્ટિંગ જ કરવી જાેઈએ. તેથી હવે હું એક્ટિંગ જ કરીશ. એક્ટર તરીકે જેટલી ફિલ્મ થઈ શકે તેટલી ફિલ્મો કરીશ. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રએ વિજયતા ફિલ્મ્સ નામથી પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું.
સની દેઓલે ૧૯૮૩માં બેતાબ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. રાહુલ રવૈલના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. બાદમાં ૧૯૯૦માં રાજકુમાર સંતોષીની ફિલ્મ ઘાયલમાં પણ વિજયતા ફિલ્મ્સે નાણાં રોક્યા હતા. આ ફિલ્મથી સની દેઓલને નવી ઓળખ મળી છે. બોબી દેઓલે ૧૯૯૫માં બરસાત ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મ પણ હિટ રહી હતી. સની દેઓલે ૧૯૯૯ના વર્ષથી પ્રોડક્શન હાઉસનું સુકાન સંભાળ્યું હતું અને દિલ્લગી ફિલ્મમાં ડાયરેક્શન કર્યું હતું. ત્યારબાદ ૨૦૦૧માં એક્શન થ્રિલર ઈન્ડિયન બનાવી હતી. તેમાં સનીનો લીડ રોલ હતો. ૨૦૦૨માં બોબી દેઓલને લીડ રોલમાં રજૂ કરતી ફિલ્મ ૨૩ માર્ચ ૧૯૩૧-શહિદ બનાવી હતી. ૨૦૦૫માં સોચા ના થા ફિલ્મથી અભય દેઓલને ડેબ્ય કરાવ્યું હતું. ૨૦૦૭માં અપને, ૨૦૧૬માં ઘાયલ વન્સ અગેઈન અને ૨૦૧૮માં યમલા પગલા દિવાના બની હતી. ૨૦૧૯માં દીકરા કરણ દેઓલ માટે પલ પલ દિલ કે પાસ ફિલ્મ બનાવી હતી. સનીએ તેમાં ડાયરેક્શન પણ કર્યું હતું. આમ, સનીએ પ્રોડ્યુસર તરીકે બનાવેલી ફિલ્મો ખાસ સફળતા મેળવી શકી નથી. ઉલ્લેખનીય છે કે, ગદર ૨માં સનીએ એક્ટિંગ જ કરી છે. પ્રોડ્યુસર તરીકેની જવાબદારી ઝી સ્ટુડિયોઝે સંભાળી છે.
Recent Comments