આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદનો હજુ સંપૂર્ણપણે અંત નથી આવ્યો. આસામ સરકારમાં મંત્રી અશોક સિંઘલે સોમવારે આ મુદ્દે નિવેદન આપ્યું હતું. મંત્રીના કહેવા પ્રમાણે તેઓ પોતાની એક ઈંચ જમીન નહીં આપે, જાન આપી દેશે પરંતુ જમીન નહીં આપે.
અશોક સિંઘલ કછાર વિસ્તારના ગાર્જિયન મંત્રી છે જે મિઝોરમને અડીને આવેલો છે અને તે વિસ્તારમાં જ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે. આસામ સરકારના મંત્રીએ જણાવ્યું કે, મિઝોરમે આ વાત સ્વીકારવી પડશે કે ગોળી તેમણે જ ચલાવી અને તેમાં જ અમારા પોલીસ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો. મંત્રીએ સવાલ કર્યો હતો કે, શું મુખ્યમંત્રીની જાણ વગર જ પ્રશાસન ચાલી રહ્યું છે, શું મુખ્યમંત્રીને જાણ થયા વગર જ આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ એફઆઈઆર થઈ ગઈ.
મિઝોરમ સરકાર પર હુમલો કરતા મંત્રી અશોક સિંઘલે કહ્યું કે, સૌથી પહેલા મિઝોરમ સરકારે વાસ્તવિકતા સ્વીકારવી પડશે અને વાસ્તવિકતા એ છે કે, તેમણે હથિયારવિહોણા પોલીસ કર્મચારીઓ પર લાઈટ મશીન ગન વડે પહેલા ફાયરિંગ કર્યું. તેમાં ૬ પોલીસ કર્મચારી માર્યા ગયા અને એસપી ગંભીર રીતે ઘાયલ છે.
અશોક સિંઘલે જણાવ્યું કે, તેઓ આ મુદ્દે તપાસ કરાવે અને પોતાના પોલીસ અધિકારી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે. વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે પગલા ભરાવા જાેઈએ.
આસામ સરકારના મંત્રી અશોક સિંઘલે જણાવ્યું કે, બ્લોકેજને લઈ આપવામાં આવી રહેલા નિવેદનોથી તેમની વિશ્વસનીયતા ઘટશે અને જનતામાં રોષ સર્જાશે. આસામ અને મિઝોરમની જનતા વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાશે જે બંને રાજ્ય માટે સારી વાત નથી. માટે મિઝોરમ સરકારે આવી અફવા ફેલાવવાથી દૂર રહેવું જાેઈએ કે આસામ સરકારે કોઈ બ્લોકેજ શરૂ કર્યા છે.
Recent Comments