” એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે ” “જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ” દ્વારા છઠ્ઠુ અંગદાન કાપોદ્રાના નિવૃત્ત વ્યક્તિના અંગદાનથી પાંચ જીવન પ્રવૃત્ત થશે
સુરત જીવન પર્યન્ત જીવંત રહેતું પરમાર્થ વ્યક્તિ સદેહ આપણી વચ્ચે ભલે નથી પણ જન જન માં જીવંત ૫૭ વર્ષના વાલજીભાઈ સખરેલિયાંને ઘરે ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયા હતા : જન્માષ્ટમીની બપોરે ડોકટરે બ્રેઈનડેડ જાહેર કર્યા..
એક તરફ સુરતમાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ કૃષ્ણજન્મના વધામણાં થઈ રહ્યા હતા તો બીજીતરફ કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણ વ્યક્તિનું જીવન, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી નવપલ્લિત થઇ રહ્યુ હતુ. તો અન્ય બે વ્યકિતના જીવનમાં પણ રોશની પથરાવા જઈ રહી હતી.
ઘટના કઇક આવી છે, સુરતના કાપોદ્રા સાગર રોડ પર આવેલી સમ્રાટ સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા ૫૭ વર્ષીય વાલજીભાઇ કરશનભાઇ સખરેલીયાને ગત તા- છઠ્ઠી સપ્ટેમ્બરે, સવારે ૫-૦૦ વાગ્યે ઘરે ચક્કર આવ્યા બાદ ગભરામણ થતા પરિવારજનોને જણાવ્યું કે તેઓની તબિયત ઠીક જણાતી નહોતી, જેથી પી.પી.સવાણી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં જન્માષ્ટમીના દિવસે બપોરે 3.30 વાગ્યે ડૉ. હિનાબેન ફળદુ, ડૉ. ભૌમિક ઠાકોર, ડૉ. દર્શન ત્રિવેદી, ડૉ. મેહુલ પંચાલ, ડૉ. અલ્પાબેન પટેલ અને ડૉ. ડેનિશ પટેલની ટીમે વાલજીભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. દર્દીના સગા દ્વારા આ બાબતે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને જાણ કરાતા પી.એમ.ગોંડલીયા , વિપુલ તળાવીયા, અને જીવનદીપની ટીમ તાત્કાલિક કિરણ હોસ્પિટલ પહોંચી વાલજીભાઇના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી હતી.
હોસ્પિટલમાંથી સોટોમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી, અને કિરણ હોસ્પિટલમાં લીવર-કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યરત છે. તેમજ કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દી હોવાથી સોટો દ્વારા એ જ હોસ્પિટલમાં જરૂરીયાતમંદ દર્દી હોય તો એને પ્રાથમિકતા આપવામાં આવી હતી. તેમજ રાત્રે ૧૨-૩૦ વાગ્યે દર્દીને ઓપરેશન થિએટરમાં શિફ્ટ કરીને ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની સર્જરી શરૂ કરવામાં આવી હતી. એ ન્યાયે કિરણ હોસ્પિટલમાં જ દાનમાં લેવાયેલી બે કિડની અને એક લિવર ત્રણ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા. જ્યારે ચક્ષુદાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રીમથુરભાઇ સવાણી, ટ્રસ્ટી વિજયભાઈ દેસાઈ, એડમીનીસ્ટ્રેટર ડૉ. મેહુલ પંચાલ, ડૉ. અલ્પાબેન પટેલ તથા જીવનદીપ ટીમના પી.એમ ગોંડલીયા, વિપુલ તળાવીયા અને સમગ્ર જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમના પ્રયાસોથી જીવનદીપ સંસ્થા દ્વારા છઠ્ઠુ અંગદાન થયુ હતુ. મૂળ સોમનાથગીરના બોરવાવ(ગીર) ગામના વાલજીભાઇ સુરતમાં અગાઉ હીરાદલાલીનું કામ કરતા હતા. એમના પરિવારમાં રેખાબેન (પત્ની), બે પુત્ર કેતનભાઇ અને યોગેશભાઇ તથા બંને પુત્રોની પુત્રવધુ છે.
Recent Comments