ભાવનગરમાં સમગ્ર રાજ્યના તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ વાહનચાલકો ચૂકવે છે ત્યારે હવે ગેર આધારિત વાહનો માટે પણ વારંવાર ભાવ વધારાનો ડામ અપાઇ રહ્યો છે. એક જ વર્ષમાં સીએનજીના ગુજરાત ગેસના એક કિલોના ભાવમાં રૂ.૨૭.૧૧નો ધરખમ વધારો થતા હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે લાંબો તફાવત રહ્યો નથી. ભાવનગર શહેરમાં સીએનજીના ગુજરાત ગેસના ભાવમાં પુનઃ વધારો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓ બાદ હવે ગેસ ઉત્પાદક કંપનીઓએ પણ ભાવ વધારવાના શરૂ કર્યા છે. ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે સીએનજી ગેસના ભાવમાં રૂ. ૨.૫૮ ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. ૭૯.૫૬ના સ્તરે પહોંચી ગયા છે.
ગુજરાત ગેસે એક સપ્તાહમાં બીજીવાર ભાવ વધારો કરતાં કિલોદીઠ કુલ રૂ. ૯ જેવો ભાવ વધ્યો છે. નવો ભાવ ૧૪ એપ્રિલથી લાગુ થશે. ભાવનગરમાં એક વર્ષ પૂર્વે ગુજરાત ગેસનો એક કિલોનો ભાવ રૂ.૫૨.૪૫ હતો તે હવે વધીને ૭૯.૫૬ થઇ ગયો છે. જેથી વાહનો માટે જે ઓછા ભાવ સીએનજીમાં હતા તેમાં પણ વખતોવખત ભાવ વધારો ઝીંકાઇ રહ્યો છે. ભાવનગર શહેરમાં હાલ પેટ્રોલનો ભાવ રૂા.૧૦૭ છે જ્યારે સીએનજીનો ભાવ રૂા.૭૯.૫૬ છે જ્યારે એક વર્ષ પહેલા પેટ્રોલનો ભાવ રૂા.૮૯ હતો ત્યારે સીએનજીનો ભાવ રૂા.૫૨ હતો. આમ પેટ્રોલ અને ગેસના ભાવ વચ્ચે એક વર્ષ પહેલા ૩૭ રૂા.નો તફાવત હતો તે હવે ઘટીને રૂા.૨૭ થઈ ગયો છે. અને ખાસ તો છેલ્લા એક માસમાં સીએનજીના ભાવમાં વખતોવખત વધારો થયો છે.એકબાજુ સીએનજીની કીટવાળા વાહનો વધી રહ્યા છે ત્યારે આ ભાવ વધારો ખાસ કરીને મોટરકાર ધારકો માટે વસમો બની રહેશે.જાે આ જ રીતે ભાવ વધારો શરૂ રહેશે તો સીએનજીના ભાવો રૂા.૧૦૦ને આંબી જશે. છેલ્લા એક સપ્તાહથી પેટ્રોલમાં કોઈ વધારો થયો નથી અને ભાવનગરમાં ભાવ રૂ. ૧૦૬.૭૯ પ્રતિ લિટરની સપાટીએ સ્થિર છે.
તેની સામે ગુજરાત ગેસ, અદાણી ગેસ સહિતની કંપનીઓએ સીએનજી અને પીએનજી ગેસના ભાવ આ મહિનામાં સતત વધી રહ્યા છે હવે પેટ્રોલની સામે ગેસના ભાવ વચ્ચે બહુ તફાવત રહ્યો નથી. ભાવનગરમાં એક વર્ષ પહેલા એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.૮૯.૧૬ હતો તે હવે વધીને ૧૦૬.૭૯ થઇ ગયો છે. આમ , એક વર્ષમાં ભાવનગરમાં પેટ્રોલના એક લિટરના ભાવમાં રૂા.૧૭.૬૩નો વધારો થયો છે જ્યારે એક કિલો સીએનજીનો ભાવ એક વર્ષમાં રૂ.૨૭.૧૧ વધી ગયો છે. આ વર્ષે હજી ચાર માસ પણ નથી વિત્યાં ત્યાં સીએનજીના ભાવમાં રૂ.૧૪ જેવો વધારો ઝિંકાયો છે. આ વર્ષના આરંભે ભાવનગરમાં ગુજરાત ગેસનો એક કિલોનો ભાવ રૂ.૬૫.૭૦ હતો તે હવે વધીને ૭૯.૫૬ થઇ ગયો છે. એટલે કે ૩ માસ અને ૧૩ દિવસમાં સીએનજીના ભાવમાં રૂ.૧૩.૮૬નો જબ્બર વધારો થયો છે.
Recent Comments