એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવ મંજૂર, મોદી સરકારનો મોટો ર્નિણય

મોદી કેબિનેટની બેઠકમાં ‘એક દેશ-એક ચૂંટણી’ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂરી આપી હતી. મંગળવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના ૧૦૦ દિવસ પૂરા થવા પર ગૃહમંત્રી અમિત શાહે ‘એક દેશ એક ચૂંટણી’ને લઈને મોટી જાહેરાત કરી હતી. શાહે કહ્યું હતું કે મોદી સરકાર આ કાર્યકાળ દરમિયાન ‘એક દેશ એક ચૂંટણી’ લાગુ કરશે. આ પહેલા ભાજપે લોકસભા ચૂંટણી માટેના પોતાના ઘોષણાપત્રમાં ‘એક દેશ એક ચૂંટણી’ના વચનનો પણ સમાવેશ કર્યો હતો.
વન નેશન-વન ચૂંટણીને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આ વર્ષે ૧૪ માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. કમિટીએ ૧૯૧ દિવસ સુધી અનેક નિષ્ણાતો અને રાજકીય પક્ષોના લોકો સાથે ચર્ચા કર્યા બાદ ૧૮ હજાર ૬૨૬ પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ૨૦૨૯ સુધી લંબાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેથી આગામી લોકસભા ચૂંટણીની સાથે તેમની ચૂંટણી પણ યોજવામાં આવે.
વન નેશન વન ઈલેક્શનને લઈને રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટમાં ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવની સ્થિતિ અંગે પણ સૂચનો આપવામાં આવ્યા છે. સમિતિએ ભલામણ કરી છે કે આવી સ્થિતિમાં વિધાનસભાની બાકીની મુદત માટે ચૂંટણી યોજવામાં આવી શકે છે. આ રિપોર્ટમાં દેશભરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. સમિતિના મતે, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી જાેઈએ. આ પછી, બીજા તબક્કામાં, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ૧૦૦ દિવસમાં થઈ શકે છે. ત્રીજા તબક્કામાં સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે ચૂંટણી પંચ આ ચૂંટણીઓ માટે માત્ર એક જ મતદાર યાદી તૈયાર કરી શકે છે. ઉપરાંત સુરક્ષા દળો, વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓની વ્યવસ્થા માટે અગાઉથી આયોજન કરવાની ભલામણ કરવામાં આવી છે.
Recent Comments