ગુજરાત

એમોસના ડિરેકટરોએ મૃતકોના પરિવારોને ૧.૭૫ કરોડ વળતર ચૂકવવા હાઇકોર્ટમાં તૈયારી દર્શાવી

બોટાદ- બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં વપરાયેલા લઠ્ઠા માટે જવાબદાર એમોસ કંપનીના ડિરેક્ટરોએ હાઇકોર્ટમાં ધરપકડ સામે સ્ટે માગવા અને આગોતરા જામીન માટે અરજી કરી હતી. એમોસના ડિરેકટરોએ મૃતકોના પરિવારોને ૧.૭૫ કરોડ વળતર ચૂકવવા હાઇકોર્ટમાં તૈયારી દર્શાવી છે. તેમણે લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોને પણ વળતર ચૂકવવા તૈયારી દર્શાવી હતી. જસ્ટિસ નિખિલ કરેઇલે એમોસના ડિરેક્ટરોની ધરપકડ પરનો સ્ટે હાલ પૂરતો લંબાવ્યો હતો. ડિરેક્ટરોએ એવી પણ દલીલ કરી હતી કે, તેઓને લઠ્ઠા માટે વપરાયેલ કેમિકલ અંગે કોઇ જાણ નહોતી તેઓ પ્રત્યક્ષ રીતે જવાબદાર બનતા નથી. કોર્ટ નક્કી કરે તે મુજબ પ્રત્યેક મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવશે.

લઠ્ઠાકાંડ માટે વપરાયેલું કેમિકલ બહાર લઈ જવામાં એક કર્મચારી જયેશની સંડોવણી બહાર આવી છે. છતાં અમે ૧.૭૫ કરોડ આપવા તૈયાર છીએ. જયેશના ખાતામાં ૩૫ લાખ શા માટે જમા કરવામાં આવ્યા છે? માત્ર તેની તપાસ કરવા માટે અમારી કસ્ટોડિયલ તપાસની વાત અયોગ્ય છે. નોન મિથાઈલ કેમિકલ અમારી કંપનીની પ્રોડકટ છે. અમે અમારા તમામ લેજર પેપર પણ તપાસમાં આપ્યા છે. ડિરેક્ટરોએ કહ્યું કે, સરકાર આવી દુર્ઘટનામાં ૪ લાખ સુધી વળતર ચૂકવે છે. અમારી કંપની ૧ કરોડ ૭૫ લાખ ચૂકવવા તૈયાર છે.

સરકારે એવી રજૂઆત કરી હતી કે, કંપનીના ડિરેક્ટરોની પરોક્ષ રહેમ વગર આટલી મોટી ચોરી થઇ શકે નહી. લઠ્ઠાકાંડના ૮૨ અસરગ્રસ્તો માટે ડિરેક્ટરોએ કેટલી રકમ આપવી તે અંગે કોઇ વિચારણા કરી છે કે નહી? ડિરેક્ટરોના વકીલે રજૂઆત કરી હતી કે દરેક અસરગ્રસ્તો માટે ૨૫ હજાર ચૂકવવા તૈયાર છીએ. અમારા તરફથી મૃતક અને અસરગ્રસ્તોને વળતર ચુકવવા તૈયાર છીએ. પરંતુ કોને કેટલી રકમ ચૂકવવી તે અંગે કોર્ટ ર્નિણય કરે તે વધુ સારું છે. આ અંગે મૃતકોના પરિવારજનો પાસેથી જવાબ મેળવ્યા બાદ કોર્ટ ર્નિણય લેશે.

Related Posts