એલસીબીની ટીમે બનાસકાંઠાથી દારૂનો જથ્થો કોબા તરફ જતાં બે શખસોને ફિલ્મી ઢબે ઝડપ્યા
ગાંધીનગરની સ્થાનિક ગુના નિવારણ શાખાની ટીમે રાત્રે પૂર્વ બાતમીના આધારે ઘૂંઘટ હોટલ પાસેના રેલવે ફાટક નજીક વોચ ગોઠવીને બ્રેઝા કારમાં બનાસકાંઠાથી વિદેશી દારૂનો જથ્થો ભરીને કોબા ડીલીવરી આપવા નીકળેલા બે ઈસમોને ફિલ્મી ઢબે દોટ લગાવી ઝડપી લઈ ૯૧૨ નંગ દારૃની બોટલો સહિત રૂ. ૬.૦૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના પાટનગરમાં દારૂની હેરફેરના દૂષણને ડામી દેવા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલની સૂચનાથી ગાંધીનગર સ્થાનિક ગુના નિવારણ શાખા-૨નાં ઈન્સ્પેક્ટર એચ. ક્યું. પરમાર, જે એચ સિંધવની ટીમે રાજસ્થાન તરફથી ગાંધીનગરમાં ઠલવાતો વિદેશી દારૃના નેટવર્ક સુધી પહોંચવા બાતમીદારોને સક્રિય કરી રાત્રિ દરમ્યાન પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ત્યારે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, બનાસકાંઠાથી કારમાં દારૂનો જથ્થો લઈને બે ઈસમો કોબા ખાતે ડીલીવરી કરવા માટે નીકળ્યા છે.
જે પાલનપુરથી ક – ૭ ઘૂંઘટ હોટલ તરફથી શહેરમાં પ્રવેશી કોબા જવાના છે. બાતમીના આધારે એલસીબીની ટીમે રેલવે ફાટક નજીક ખાનગી વાહનની આડશ કરીને વોચ ગોઠવી હતી. ત્યારે અંધારામાં દૂરથી પોલીસ ટીમ વોચમાં ઉભી હોવાનો અંદાજ આવી જતાં બાતમી વાળી કાર રેલવે ફાટક પાસે રોકાઈ ગઈ હતી. જેમાથી બે ઈસમો ઉતરીને રેલવે ટ્રેક તરફ ભાગવા લાગ્યા હતા. આથી અગાઉથી તૈયારી સાથે ઉભેલી ટીમે ફિલ્મી ઢબે દોટ લગાવીને બંનેને થોડેક આગળ જઈને પકડી પાડ્યા હતા.
જેમની પૂછતાંછમાં તેમણે પોતાના નામ તુલસીરામ માનારામજી ડાંગી(રહે. નઉવા ગામ, તા, માવલી, ઉદેપુર, રાજસ્થાન) અને વરદીચંદ તુલી ડાંગી હોવાનું કહી કોબા ખાતે પહોંચી ૭૮૦૨૦૬૨૧૧૯ નંબરના મોબાઇલ પર ફોન કરીને તે ઈસમને આ દારૂ ભરેલી કાર આપવાની હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં ગાડીની પાછળની સીટમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓમાં ભરેલ દારૂની ૯૧૧ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ, મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ રૂ. ૬.૦૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી કરી પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
Recent Comments