ગુજરાત

એસએમસીએ વિદેશી દારૂ ભરેલી ટ્રકને કઠલાલના પાસેથી ઝડપી

કઠલાલના ભાટેરા નજીક ટ્રકને આંતરી સાથે ટ્રક ચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે ટ્રકમાંથી રૂપિયા ૨.૬૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો તથા ટ્રક મળી કુલ રૂપિયા ૭.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિદેશી દારૂનો જથ્થો મોડાસાથી નડિયાદ ઠાલવવાનો હતો. વધુમાં ટ્રક ચાલકે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તે નોકરીની તલાસમા હતો અને ફોન મારફતે બુટલેગરે તેનો સંપર્ક કરી ૧૫૦૦ રૂપિયા આપવાનુ નક્કી કરી ટ્રકને નડિયાદ છોડવાનું જણાવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે, મોડાસાથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક આઇસર ટ્રક નિરમાલી રોડથી કપડવંજ થઈ નડિયાદ તરફ જનાર છે. આથી એસએમસીના માણસો ખેડા જિલ્લાના તોરણા સ્ટેશન ચાર રસ્તા પર સરકારી તથા ખાનગી વાહનોમાં વોચમાં હતા. મધરાત બાદ આઈસર નંબર (જીજે-૨૩-એટી-૫૧૪૦) અહીંયા થી પસાર થઈ હતી આથી અહીંયા ગોઠવેલા પોલીસના માણસોએ તુરંત આ ટ્રકનો પીછો કર્યો હતો.

કઠલાલના ભાટેરા ગામ નજીકથી આઇસર ટ્રકને કોડન કરી ઉભી રાખવામાં આવી હતી. ટ્રક ચાલકનું નામઠામ પોલીસે પુછતા તેણે પોતાનું નામ ભીમરાજ લહેરીલાલ ગાયરી (રહે.ઘાસાખેડી, તા.માવલી, ઉદેપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. વધુમાં આઇસર ટ્રકની તલાસી હાથ ધરાતા ટ્રકમાંથી વિપુલ પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતા વિદેશી દારૂની બિયરટીન નંગ ૨૬૧૭ કિંમત રૂપિયા ૨ લાખ ૬૧હજાર ૭૦૦ તથા આરોપી પાસેથી મોબાઇલ ફોન નંગ બે તથા રોકડા રૂપિયા અને વાહન મળી કુલ રૂપિયા ૭ લાખ ૮૩ હજાર ૨૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર બનાવ સંદર્ભે કઠલાલ પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.

Related Posts