ઓગણજમાં દશેશ્વર ફાર્મની દિવાલ પડતાં ૫ાંચ મજૂર દટાયા
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ ૧૫ જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ચાંદલોડિયા, ગોતા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગરમાં વરસાદ પડ્યો હતો.અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ થયો છે. ઓગણજ વિસ્તારમાં વેદાંત કદમ પાછળ દશેશ્રર ફાર્મની દીવાલ પડતાં પાંચ મજૂરો દટાયા હતા.
તમામને ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢીને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.ન્યૂ રાણીપ ઓવરબ્રિજ પર છેલ્લી ૨૦ મિનિટથી ભારે ટ્રાફિકજામ થયો છે. બીજી તરફ, જીએસટી અંડરબ્રિજમા પાણી ભરાતાં બંધ હોવાને કારણે લોકો ફસાયા છે. ગિરધરનગર શાહીબાગ અને અસારવા ચકલા બેન્ક ઓફ બરોડાની બહાર પણ પાણી ભરાયાં છે. બીજી બાજુ, વરસાદના પાણી ભરાતાં અખબારનગર અને મોટી વણઝાર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદમાં શરૂ થયેલા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેકબુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો ર્નિણય કરવો, એમ અમદાવાદના શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે. શહેરના કેકે નગર વિસ્તારમાં ક્રોસિંગ રોડ પાસે ભારે વરસાદને કારણે સર્કલની વચ્ચોવચ્ચ પાણી ભરાઈ જવાથી સવારના સમયે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં વરસાદને કારણે ચામુંડા બ્રિજથી સરસપુર સુધી પાણી ભરાયાં હતાં.
સર્કલથી ચારે તરફ જવાના રસ્તા પર પાણી ભરાયાં હતાં. શરૂઆતમાં પાણીમાં ફીણ પણ જાેવા મળ્યું હતું. પાણી ભરવાના કારણે વાહન બંધ થતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. નજીકમાં હોસ્પિટલ હોવાથી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. રાહદારીઓ પણ કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલતા જતા નજરે પડ્યા હતા. ચામુંડા બ્રિજના છેડેથી સરસપુર સુધી વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત્ છે. આસપાસની મિલોમાંથી પણ કેમિકલવાળુ પાણી છોડવામાં આવે છે, જેને કારણે તેમને ચામડીના રોગ પણ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
Recent Comments