બોલિવૂડ

ઓડિયા ફિલ્મની પીઢ અભિનેત્રી ઝરણા દાસનું થયું અવસાન, ૧ ડિસેમ્બરની મોડી રાત્રે નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા

ઓડિયા ફિલ્મની પીઢ અભિનેત્રી ઝરણા દાસનું અવસાન થયું છે. તેમણે ૧ ડિસેમ્બરની મોડી રાત્રે કટકના ચાંદની રોડ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૭૭ વર્ષના હતા. તેઓને ઓડિયા ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન આપવા બદલ રાજ્ય સરકારનો પ્રતિષ્ઠિત જયદેવ પુરસ્કાર મળ્યો હતો. વૃદ્ધાવસ્થામાં તેમની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત રહેતી હતી. તેમના નિધન પ્રત્યે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સંવેદના વ્યક્ત કરી છે. તેમનો જન્મ ૧૯૪૫માં થયો હતો. તેમણે ૬૦ના દાયકામાં અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી અને શ્રી જગન્નાથ, નારી, આદિનામઘા, હિસાબ્નીકા, પૂજાફુલા, અમાદાબાતા, અભિનેત્રી, મલાજાન્હા અને હીરા નેલ્લા જેવી ટોચની ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો.

જેના કારણે તેમને અનેક પુરસ્કારો મળ્યા હતા. તેમણે બાળ કલાકાર એનાઉન્સર તરીકે ઓલ ઇન્ડિયા રેડિયો (છૈંઇ), કટક સાથે પણ કામ કર્યું હતું. તેમણે કટકમાં દૂરદર્શનના આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરેક્રુષ્ના મહતાબ પરની બાયોગ્રાફીકલ ડોક્યુમેન્ટ્રીમાં તેમના ડિરેક્શનની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી. તેમના ચાહકોને હજી પણ તેમનો મધુર અવાજ અને વિવિધ પાત્રોનું ચિત્રણ યાદ છે. છૈંઇ સાથેની નોકરી પછી ઝરણા દાસે રૂપેરી પડદે અભિનય દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ ઓડિસી ડાન્સ પણ શિખ્યા હતા.

તેમને ગુરુ કેલુચરણ મહાપાત્રાના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ શીખવાની તક મળી હતી. આ દરમિયાન ૨૦૧૬માં આજીવન સિદ્ધિ બદલ તેમને ગુરુ કેલુચરન મહાપાત્રા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નિધનના દુઃખદ સમાચાર વહેતા થતાં જ જાણીતા કલાકારો અને તેમના ચાહકો તેમના અંતિમ દર્શન કરવા માટે તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા. સિને વિવેચક દિલીપ હાલીએ તેમના નિધનને ઓડિયા સિને ઉદ્યોગ માટે મોટી ખોટ ગણાવી હતી.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અભિનેત્રીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી હતી. પટનાયકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્ટેજ અને ફિલ્મ પર તેના પ્રભાવશાળી અભિનયને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના આત્માને શાંતિ મળે. તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts