ઓપરેશન લોટસ : કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા એક આંકડામાં આવી જાય તો નવાઈ નહિ
કોંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ આવતાં અઠવાડિયે નવાજૂની કરશે એ નિશ્ચિત
કોંગ્રેસમુક્ત ભારતનું ભાજપનું લક્ષ્ય તો જ્યારે પૂર્ણ થાય ત્યારે, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમુક્ત વિધાનસભાના લક્ષ્ય પ્રત્યે ગુજરાત પ્રદેશ ભાજપ મક્કમતાથી આગળ વધી રહ્યો જણાય છે. રાજકોટના કોંગ્રેસ અગ્રણી અર્જુન ખાટસરિયા, ધારાસભ્ય ચિરાગ પટેલ પછી વરિષ્ઠ નેતા અને વીજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા કોંગ્રેસને રામ-રામ કરી ચૂક્યા છે અને હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ આવતાં અઠવાડિયે નવાજૂની કરશે એ નિશ્ચિત ગણાય છે.
એ સંજાેગોમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની આગેવાની હેઠળ ઓપરેશન લોટસ લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા એક આંકડામાં લાવી દે તો પણ નવાઈ નહિ. ડો. ભરત બોઘરાએ ગુજરાતના દરેક પ્રદેશમાં વગ ધરાવતા નેતાઓની એક ટીમ બનાવી છે અને દરેક નેતાને બબ્બે જિલ્લા સોંપવામાં આવ્યા છે. આ રીતે તેમણે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ક્યા નેતા ભાજપમાં પ્રવેશ માટે આતુર છે તેની યાદી તૈયાર કરી છે. ઉપરાંત, આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક બેઠક પાંચ લાખથી વધુ સરસાઈથી જીતવાના લક્ષ્યાંકને અનુરુપ જ્ઞાતિ સમીકરણો મુજબ ક્યા નેતાની જરૂર છે તેની પણ એક અલગ યાદી તૈયાર કરવામાં આવી છે.
જે નેતાની ભાજપને જરૂર છે તેમને વળતર તરીકે હોદ્દો આપવાનો અને એ સિવાયના નેતાઓને વચનો આપીને કે તેમના કામ પૂરા કરવાની ખાતરી આપીને ભાજપમાં લાવવા આ રણનીતિ હેઠળ બોઘરાની ટીમ આક્રમકતાથી કાર્યરત થઈ ચૂકી છે. ચિરાગ પટેલ અને સી.જે. ચાવડાની વિદાય પછી હાલમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૧૫ જેટલી છે. હજુ પાંચ ધારાસભ્યો તોડીને વિધાનસભામાં કોંગ્રેસની સભ્યસંખ્યા જાે એક આંકડે લાવવામાં ભાજપને સફળતા મળશે તો એ અભૂતપૂર્વ ગણાશે.
ગત અઠવાડિયે ભાજપે રાજકોટના નેતા અર્જુન ખાટસરિયા અને તેમના સમર્થકોને વાજતેગાજતે ખેસ પહેરાવ્યો એ દર્શાવે છે કે માત્ર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો જ નહિ, તાલુકા અને જિલ્લા કક્ષાએ વગદાર તમામ નેતાઓ માટે પક્ષનું ભરતીમંડળ સક્રિય છે. લોકસભાની ચૂંટણીમાં ગંજાવર સરસાઈથી જીતવું હોય તો સમાજના દરેક વર્ગના પહોંચ ધરાવતા નેતાઓને સમાવવા પડે એ વ્યુહ મુજબ ભાજપે પંચાયત સ્તરે સક્રિય હોય એવા કોંગ્રેસના નેતાઓ પર નજર જમાવી છે. તાલુકા કક્ષાએ જે ૨થી ૫ હજાર મત લાવી શકે તેમ હોય તેવા કોંગ્રેસના નેતાઓનો સંપર્ક થઈ રહ્યો છે.
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા સુધીમાં ચાવડા, મોઢવાડિયા જેવા નેતાઓને પક્ષમાં લાવીને વાતાવરણ જમાવવાનો અને વાડ પર બેઠેલાં અન્ય નેતાઓને કમલમ ભણી દોડવા માટે પ્રેરિત કરવાનો ભાજપનો વ્યુહ જણાય છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસમાં કાણું પાડવાનું કામ સોંપ્યું છે. આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છ નેતાઓને ટાસ્ક આપ્યો છે.
Recent Comments