કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી ૭.૯૧ લાખના પ્રોટિન પાડવરના બોક્સની ચોરી
મુળ રાજસ્થાનના હાલે ગાંધીધામ રહેતા અને કાસેઝના સેક્ટર-૧ માં આવેલી એસ.ડબલ્યુ.જી. ન્યુટ્રા સ્યુટિકલ નામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સુનિલ કાલુરામ માલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપની પ્રોટિન પાવડરનું ઉત્પાદન કરી સરકારના નિયમો મુજબ નિકાસ કરવાનું કામ કરે છે. તેમની સાથે દીલ્હીનો શાહરુખ પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરે છે અને કુલ ૨૨ સ્ત્રી પુરૂષ શ્રમિકો કામ કરે છે. તા.૨૨/૩ ના સાંજે છ વાગ્યે નિયમ મુજબ ગોડાઉનમાં તૈયાર રાખેલા પ્રોટિન પાવડરનો જથ્થો ચેક કર્યો ત્યારે બરોબર હતો.
તા. ૨૪/૩ ના સવારે ૧૦ વાગ્યાના અરસામાં ગોડાઉનમાં ચેક કરતાં પ્રોટિનના બોક્સ ઓછા લાગતાં તપાસ કરી તો ગ્રીલ તોડી ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં ગણતરી કરી તો રૂ.૭,૯૧,૫૦૦ ની કિંમતના પ્રોટિન પાવડરના ૪૪૮ બોક્સ ચોરી થયા હોવાનો ખ્યાલ આવતાં તેમણે માલિકને જાણ કરી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ચલરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ કે.પી.સાગઠીયાએ વધુ તપાસ હાથ ધરી છે. કાસેઝમાં આવેલા ગોડાઉનમાંથી થોડા સમય પહેલાં લાખો રુપિયાના ખજુરની ચોરી થઇ હોવાની ઘટના પણ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી. કાસેઝના અભેદ કિલ્લામાં પણ તસ્કરો ચોરીને અંજામ આપતા હોવાની વાત જુની છે પણ થાય કેમ છે એ તપાસનો વિષય છે.
કંડલા સ્પેશિલ ઇકોનોમિક ઝોનમાં આવેલી કંપનીમાંથી પ્રોટિન પાવડરની ચોરી તા.૨૨/૩ થી તા.૨૪/૩ દરમિયાન થઇ હોવાનું ફરીયાદીએ જણાવી કેટલો જથ્થો ચોરી થયો હોવાનું વેરીફાઇ કરવાનું હોતાં તથા આ કંપનીના માલિકને જાણ કરવાની હોતાં ફરીયાદ મોડી નોંધાઇ હોવાનું ફરિયાદી મેનેજરે જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે આ શંકાસ્પદ ચોરીનો જથ્થો ઝડપી લીધો હતો તેમ છતાં આ ફરિયાદ મોડી નોંધાઇ તે વાત શંકા ઉપજાવે તેવી છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પોતાની અભેદ સિક્યુરિટી તે ઉપરાંત જે તે ક઼પનીની સિક્યુરીટી ૨૪ કલાક તૈનાત રહેવા છતાં તસ્કરો દ્વારા અવાર નવાર ચોરીને અંજામ અપાતો રહે છે તે કઇ રીતે શક્ય બને એ તપાસનો વિષય છે પણ કાસેઝની એક કંપનીમાં ગ્રીલ તોડી અજાણ્યા ઇસમો રૂ.૭.૯૧ લાખની કીમતના પ્રોટિન પાવડરની તસ્કરીને અંજામ આપી ગયા હોવાની ઘટના બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાઇ છે.
Recent Comments