સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં અમૂલ દ્વારા ફળ અને શાકભાજીનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થપાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જિલ્લામાં ફ્રૂટ અને વેજીટેબલનો પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે સૂચન આપવામાં આવ્યું છે. જેને પગલે અમુલ દ્વારા ઠરાવ પણ કરી લેવામાં આવ્યો છે અને આ માટેની જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.અગાઉ આ પ્લાન્ટ માટે ઈજનેર નિમાયા હતા પણ કોવિડના કારણે મુલતવી રખાયુ હતું પણ હવે પીએમની સૂચનાના પગલે યુનિક પ્લાન્ટની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેનાથી લાંબાગાળે કચ્છનાં ખેડૂતોને ફાયદો થશે. અમુલ દ્વારા આ માટે જિલ્લામાં ઓર્ગેનિક ફળની ચકાસણી માટે પોતાની અલાયદી લેબ બનાવવામાં આવશે.

જ્યાં ફળ ઓર્ગેનિક છે કે કેમ ? તેની ચકાસણી કરવામાં આવશે જેથી ગ્રાહકોની વિશ્વસનીયતા જળવાયેલી રહે.. અમુલ દ્વારા જે પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે તે કો – ઓપરેટીવ ધોરણે બનશે તેમ નફાની જે આવક થશે તે ખેડૂતોની આવકમાં ડાયવર્ટ કરવામાં આવશે. ફ્રૂટ અને વેજીટેબલનું પ્રોસેસિંગ તો કોઈ ખાનગી વ્યક્તિ પણ રોકાણ કરીને કરી શકે પણ પ્લાન્ટ સ્થપાયા બાદ પ્રોડક્ટનું માર્કેટિંગ થવું જરૂરી છે. અમુલ પર બધાને વિશ્વાસ છે જેથી પીએમ દ્વારા માર્કેટિંગને ધ્યાને રાખીને જ અમુલને આ જવાબદારી સોંપાઈ છે.માનવવસ્તી કરતા પશુધનની વિશેષ વસ્તી ધરાવતા કચ્છ જિલ્લામાં અમુલ ડેરીના આગમન બાદ માલધારીઓની આજીવિકા અને જીવનધોરણમાં ઘણો સુધારો આવ્યો છે.મોટાભાગના પશુપાલકો સરહદ ડેરી સાથે સંકળાયેલા છે તેમજ હવે તો રણના વાહન ઊંટડીના દૂધનું પણ કચ્છમાં પ્રોસેસિંગ થાય છે. દેશમાં ઊંટડીના દુધના ઉત્પાદનનો એકમાત્ર પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં આવેલો છે.જે બાદ આ સરહદી જિલ્લો વધુ એક વિકાસના વિઝનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે કારણકે અમુલ કચ્છમાં હવે બાગાયત ખેતીને પ્રોત્સાહન આપવા માટે ફ્રૂટ અને વેજીટેબલનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપસે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચન બાદ અમુલે આ કામ હાથ પર લીધું છે. સવાયા કચ્છી પીએમ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી કચ્છ માટે સતત ચિંતા કરતા આવ્યા છે.તેઓ વિશ્વના કોઈપણ સ્થળે હોય પણ કચ્છને યાદ કર્યા વગર રહી શકતા નથી.

તેમની દીઘદ્રર્ષ્ટિના કારણે જ કચ્છ રણોત્સવ આજે વિશ્વમાં ફેમસ છે અને લાખો સહેલાણીઓ સફેદ રણનું સૌંદર્ય માણવા માટે આ સરહદી જિલ્લામાં આવી રહ્યા છે. તાજેતરમાં બનારસ ખાતે ડેરીને લગતા કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી હતી.કાર્યક્રમ બાદ તેઓએ અમુલના વાઇસ ચેરમેન અને કચ્છ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ સહિતનાઓ સાથે બેઠક કરી હતી.જેમાં તેમણે સૂચનો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે,ખેડૂતોને તેમની પેદાશના પૂરતા ભાવ મળતા નથી વચેટીયાઓ નફો લઈ જાય છે. જેથી અમુલે જેમ દૂધમાં ક્રાંતિ કરી છે તેમ ખેતીક્ષેત્રે પણ અમુલ આગળ આવી ફ્રૂટ અને વેજીટેબલનો પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવે. કચ્છમાં દાડમ,ખારેક,કેરી સહિતના પાકોની અમુલ ખેડૂતો પાસેથી ખરીદી કરે અને તેમાંથી જ્યુસ અને અન્ય વેરાયટીઓ બનાવે અને અમુલ આ પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે જેથી ખેડૂતોને તેમની પેદાશના યોગ્ય ભાવ મળશે.જેથી કિસનોની આવકમાં વધારો થશે અને ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવશે.

Follow Me:

Related Posts