કચ્છમાં પલટાયેલા વાતાવરણથી ૯૦ ટકા કેસર કેરીનો સફાયોઃ ખારેકની પણ માઠી દશા
વિશ્ર્વમાં આગવી ઓળખ ધરાવતી કચ્છી કેસર કેરીના પાકને તૌકેત વાવાઝોડાની દિશા બદલાતાં કચ્છ પરથી મોટી ઘાત ટળી છે, પણ વાવાઝોડાને કારણે પલટાયેલા વાતાવરણની અસરથી કચ્છમાં કેરીનાં પાકને વ્યાપક નુકસાની પહોંચી છે. મોટાભાગના ફળ મિનિ લૉકડાઉન વચ્ચે બજારમાં પહોંચે તે પહેલાં જ ખેતરોના પટ્ટમાં ખરી પડ્યા છે. કચ્છમાં કમોસમી ઝાપટાંથી પડ્યા પર પાટુ જેવો તાલ સર્જાયો છે. ફળોના રાજા કેરી ઉપરાંત કચ્છી મેવા તરીકે પ્રખ્યાત ખારેકના પાકની પણ માઠી દશા થઈ હોવાનું ખેડૂત અગ્રણીઓ કહી રહ્યા છે. આ ઉપરાંત તલ-બાજરીના પાકને પણ નુકસાની પહોંચવાની ખેડૂતોને ભીતિ છે. જિલ્લામાં આ વખતે બાગયતી ક્ષેત્રે કેરીનું મહત્તમ ઉત્પાદન થવાની સંભાવના હતી, પરંતુ જે રીતે વહેલી શરૂ થયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને તૌકેત વાવાઝોડાની અસરને પગલે થયેલા ભારે વરસાદી ઝાપટાંઓને કારણે કેરીનાં પાકને નુક્સાની થવા પામી છે તે જાેતાં આ વખતે કચ્છની કેસર કેરી ઓછી જાેવા મળે તો નવાઇ નહીં.
ખેડૂતોનાં મત પ્રમાણે જિલ્લામાં મહત્તમ કેરીના વાવેતરમાં ૯૦ ટકા જેટલી નુક્સાની થવા પામી છે. મોટાભાગનાં ખેતરોમાં કેરીઓ ખરી પડી છે. તો ખારેકનાં વૃક્ષોને પણ નુક્સાની થઇ છે, અંદાજિત ૩૦ ટકા જેટલા ખારેકના ઝાડનો સોથ વળી ગયો છે. આ સિવાય બાજરી અને તલના પાકને પણ નુકસાની થઇ છે. આ અંગે માંડવીના ખેડૂત અગ્રણી બટુકસિંહ જાડેજા, રાજેશભાઈ ઠક્કર, નારણભાઇ ચૌહાણેે જણાવ્યું હતું કે ‘પડ્યા પાર પાટુ’ સમાન વાવાઝોડાએ ભારે તબાહી મચાવીને ખેડૂતોને અને કેરીના વેપારીઓને પાયમાલ કર્યા છે. તૌકેત વાવાઝોડાની અસરથી અંદાજિત ૨૦ જેટલા ગામોના ખેતવિસ્તારોમાં ભારે નુકસાન થયું હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેક્ષણ કરાવીને ખેડૂતોને સરકારમાંથી સહાય અને નુકસાનીનું વળતર મળે તે ખૂબ જ જરૂરી બન્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
Recent Comments