કઠલાલના રઈજીપુરા પાટિયા પાસે રિક્ષામાં દર્દીને લઈ જતી રિક્ષાને કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે રિક્ષા ચાલક સહિત પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મહુધા તાલુકાના રૂપપુરા તાબેના શિવપુરા વિસ્તારના દીનેશભાઈ જશુભાઈ પરમારના પત્ની મંગુબેનની તબિયત ૨૦ દિવસથી ખરાબ હતી.
ત્યારે ગત સાંજે તબિયત વધુ લથડતા રિક્ષામાં બેસાડી દીનેશભાઈ પરમાર તેમની દીકરી સહિત કૌટિંબિક સભ્યો કઠલાલ ખાનગી દવાખાને મંગુબેનને લઈ જતા હતા. ત્યારે આઠ વાગ્યાની આસપાસ કઠલાલના રઈજીપુરા પાટીયા પાસે સામેથી પુરપાટે આવતી કાર ના ચાલકે ધડાકાભેર રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્યારે રિક્ષામાં સવાર છ વ્યક્તિઓ પૈકી ચાલક સહિત પાંચને ઈજાઓ થઈ હતી. જ્યારે કાનજીભાઈ કાળાભાઈ પરમારને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલી કઠલાલ પોલીસે ઈજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓને ૧૦૮ મારફત કઠલાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યારે ઘટનાને પગલે રોડ ઉપર થયેલા ટ્રાફિકજામને હળવો કરી રોડ વાહનો માટે ખૂલ્લો કરાયો હતો. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments