ગુજરાત

કઠલાલમાં પીકઅપ ડાલાએ એક હોટલ નજીક ઉભેલી કારને ટક્કર મારી, કાર નજીક ઉભેલા વ્યક્તિનું મોત, અન્ય એકને ઈજા

કઠલાલના નડિયાદ રોડ પર હોટલ નજીક ઉભેલી કારને એક પીકઅપ ડાલાએ ટક્કર મારતાં કાર પાસે ઉભેલા વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એકને ઈજા પહોંચી છે. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોધાઈ જવા પામી છે. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય સુનિલકુમાર રતનભાઇ પટેલ પોતાના કાકાના દીકરાની કાર નંબર (જીજે-૦૮-એ-૪૨૯૧) લઈને પોતાના મિત્રો નિકુંજકુમાર મગનલાલ કારાવાડીયા અને સમીરકુમાર બાબુલાલ મકવાણા સાથે કઠલાલ મુકામે આવ્યા હતા. સુનિલકુમારના બનેવી અહીંયા રહેતા હોવાથી તેઓ અહીં આવ્યા હતા. કામ પૂરું કરી રાત્રિના આશરે ભાનેર પાટીયા નજીક આવેલ નાગદા હોટલ ખાતે જમવા ગયા હતા. જમી પરવારી આ તમામ લોકો પોતાની કાર નજીક આવતાં કાર પાસે ઊભા હતા.

ત્યારે એકાએક નડિયાદ તરફથી આવતી પીકઅપ ડાલુ વાહન નંબર (જીજે-૩૫-ટી-૨૪૯૭)ના ચાલકે ઉપરોક્ત ઉભેલી કારને ટક્કર મારી હતી. જેના કારણે ખાલી સાઇડના દરવાજા પાસે ઉભેલા સુનિલ કુમારના બનેવી ભાવેશભાઈ ચંદુભાઈ પટેલ અને મિત્ર સમીરભાઈ બાબુલાલ મકવાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. પીકઅપ ડાલુ વાહન એટલી સ્પીડમાં હતું કે ઉપરોક્ત ગાડીને તો ટક્કર મારી સાથે સાથે ગાડી પાછળ ઉભેલ અન્ય એક કારને પણ અડફેટે લીધી હતી. આ બનાવમાં ઘાયલ થયેલા ઉપરોક્ત બંને લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે સમીરભાઈ મકવાણાનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે સુનિલકુમાર પટેલે કઠલાલ પોલીસને જાણ કરતા કઠલાલ પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts