ગુજરાત

કડીની શિક્ષિકા બેભાન અવસ્થામાં છે ત્યારે ગામમાં આક્ષેપો- પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે

કડીના મેડા આદરજ ગામની પે સેન્ટિર પ્રાથમિક શાળાની શિક્ષિકા ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરનાર શિક્ષિકા દ્વારા તાલુકા શિક્ષણાધિકારી પુષ્પાબેન ભીલ અને શાળાના બે શિક્ષક અને ૯ શિક્ષિકા મળી કુલ ૧૧ શિક્ષકો સામે માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જેની સામે ગામના સ્થાનિક અગ્રણીઓ રામભાઈ બળદેવભાઈ પટેલ અને ભરતભાઈ કાંતિભાઈ પટેલે શિક્ષિકાના આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યું હતું. જેમાં સ્થાનિકોએ થોડા સમય અગાઉ જિલ્લા પંચાયત શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત પણ કરી હતી કે શાળાના આચાર્ય અને શિક્ષિકા શાળામાં ચરિત્રહીન વર્તણુંક કરતા હતા.

બંન્ને શિક્ષકો કોઈના કોઈ કામે ઓફિસમાં સાથે બેસી વાતો કરતા હતા, જેથી બાળકોના માનસપટ ઉપર ખરાબ અસર પડી રહી હતી. ઉપરાંત શિક્ષિકા તેના જન્મદિવસની ઉજવણી કરવા બાળકો પાસે કેક અને ગીફ્ટ લાવવા પૈસા મંગાવી શાળામાં જન્મદિવસ ઉજવતા હતા. આ સિવાય આચાર્ય દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી કટકી કરાતી હોવાની પણ રજૂઆત કરી હતી. તેમજ શાળાની ગ્રાન્ટ આચાર્ય અને શિક્ષિકા પોતાના મોજશોખ માટે વાપરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. તપાસ સમિતિએ શિક્ષકોનું નિવેદન લેતા તેમણે તેમના ઉપર ખોટો આક્ષેપ કર્યો હોવાનું જણાવ્યું હતું તો બીજી તરફ મેડા આદરજ પ્રાથમિક શાળાના આચાર્ય ચંદનગીરી ગોસ્વામીએ શિક્ષિકાના આક્ષેપ વિશે જણાવતાં કહ્યું હતું કે, છેલ્લા ૨૫ દિવસથી શાળાનો સ્ટાફ શિક્ષિકા સાથે વાત કરતા નહોતો, જેની તેમને શિક્ષિકાએ જાણ કરી હતી.

શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મામલે શાળાના આચાર્ય સિવાયના તમામ શિક્ષકો રજા મૂકી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રજૂઆત કરવા દોડી ગયા છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા આપઘાત કરવાનો પ્રયાસ કરનાર શિક્ષિકાના જન્મદિવસે શાળાના સમય દરમિયાન આચાર્ય અને શિક્ષકોએ વર્ગખંડમાં ગરબા ઉપર ઠુમકા લગાવતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. સૂત્રો અનુસાર શિક્ષિકા હજુ સુધી બેભાન અવસ્થામાં છે અને ઘાટલોડિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts