કડોદરામાં સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડા પાડી ૨૪ લાખનો દારુ ઝડડપ્યોઃ પીઆઇ સસ્પેન્ડ
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ દારૂબંધી વાળા ગુજરાતમાં અવા રનવાર દારૂનો મુદ્દામાલ ઝડપાય છે. તો કેટલીક વખત સ્થાનિક લોકોને દારૂના અડ્ડા પર જનતા રેડ કરવી પડે છે. તો કેટલીકવાર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દારૂના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં સ્થાનિક પોલીસની બેદરકારી ભરી કામગીરીના કારણે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે આવી જ એક ઘટના કડોદરામાં સામે આવી છે કે જ્યાં સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડો પાડીને ૨૪ લાખ કરતાં વધુનો દારૂનો મુદ્દામાલ કબજે કરતા કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંત્રોલી ગામની સીમમાં કેટલાક ઇસમો દારૂ ઉતારવાના છે. તેથી ૧૧ મેના રોજ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા જે જગ્યા પર દારૂ ઊતારવામાં આવતો હતો ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડતા જ અંધારાનો લાભ ઉઠાવીને કેટલાક ઈસમો ભાગી ગયા હતા અને પોલીસના હાથે સંતોષ પરમાર નામનો એક ટ્રક ચાલક પકડાયો હતો.
પોલીસે સંતોષ પરમારની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તે મહારાષ્ટ્રમાં રહે છે અને બે મહિનાથી નવાપુરના પીન્ટુ ગડરી અને તેના ભાઈ વિશ્વાસ ગડરીને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને તે દારૂના ટ્રક ગુજરાતમાં મહારાષ્ટ્રથી લઈને આવતો હતો.
સ્ટેટ વિજિલન્સની ટીમે ઘટના સ્થળ પરથી ૨૪.૪૫ લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે દારૂનો ટ્રક અને ૫ કાર જપ્ત કરી છે. કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો મુદ્દામાલ પકડાયો હોવાના કારણે રાજ્ય પોલીસ વડાએ કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.પી.બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Recent Comments