fbpx
ગુજરાત

કતારગામમાં નવનિર્મિત અદ્યતન મહિલા લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કરી મહાનુભાવોના હસ્તે ખૂલ્લી મૂકવામાં આવી

વાટલીયા પ્રજાપતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થિનીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શાંત અને શિસ્તબદ્ધ માહોલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવા હેતુસર કતારગામ સ્થિત નંદનવન સોસાયટી, રાધાકૃષ્ણ સ્કુલમાં નવનિર્મિત અદ્યતન મહિલા લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ લાઈબ્રેરીને મહાનુભાવોના હસ્તે ખૂલ્લી મૂકવામાં આવી હતી.આ સાથે જ વાંચનાલયની સુવિધાનો યોગ્ય ઉપયોગ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝળહળતું પરિણામ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સમાજ અગ્રણી પ્રમુખશ્રી નંદલાલભાઈ પાંડવે આ વાંચનહોલ સમાજની યુવા પેઢી માટે સુયોગ્ય કારકિર્દી ઘડવાનું માધ્યમ બનશે એમ જણાવી શિક્ષિત-દીક્ષિત બની સમાજ, રાજ્ય અને દેશહિતના કાર્યોમાં અગ્રેસર રહેવા શીખ આપી હતી.

લાઈબ્રેરી સમાન જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે દૈનિક જીવનમાં વાંચન જ્ઞાનની નવી દિશા આપે છે. વાંચનથી વિચારધારામાં ધરમૂળથી પરિવર્તન આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ન પણ મળે તો પણ અભ્યાસેત્તર વાંચન જીવનનું આગવું ભાથું બને છે.એ હેતુસર લાઈબ્રેરીને ખુલ્લી મુકવામાં આવી હતી.જ્ઞાતિના કાર્યકારી મહામંત્રીશ્રી મહેશભાઈ સરવૈયાએ લાઈબ્રેરીને બીજમાંથી વટવૃક્ષમાં પરિવર્તિત કરવા જણાવી સમસ્ત જ્ઞાતિ પરિવાર વતી નવા સોપાન માટે શુભકામના પાઠવી હતી.અગ્રણી ઉદ્યોગપતિશ્રી જીતુભાઈ કાકલોતરે વધુ એક અલાયદો વાંચનહોલ બનાવવા માટે રૂ.એક લાખનું દાન અર્પણ કર્યું હતું.

જે હવે પછી પુરૂષ લાઈબ્રેરી બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. સરકારી ક્ષેત્રમાં વાટલીયા પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ વધે અને જાહેર સેવક બની દેશહિતમાં યોગદાન આપવાની તક મળે એ હેતુથી સમસ્ત વાટલીયા પ્રજાપતિના રત્નસમા સ્વ.પરેશભાઈ બાબુભાઈ કાચરિયા (ક્યુબ્રિ ગ્રુપના પ્રણેતા) દ્વારા જુલાઈ,૨૦૨૦માં સૌપ્રથમ “સમસ્ત વાટલીયા પ્રજાપતિ સરકારી કર્મચારી સમિટ” યોજી સરકારી કર્મચારીઓને સંગઠિત કરવામાં આવ્યા હતા.

તેઓના સ્પર્ધાત્મક પરીક્ષા, આર.ટી.ઇ, મેડિકલ સારવાર, કાયદા માટેની જાગૃતિના કાર્યક્રમને આગળ ધપાવવા, સમાજના સરકારી કર્મચારીઓ, શિક્ષણ હિતેચ્છુઓ, યુવાઓ દ્વારા વાટલીયા પ્રજાપતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાધાકૃષ્ણ ટ્રસ્ટના સાથ-સહયોગથી સમાજની સૌ પ્રથમ મહિલા માટેની લાઈબ્રેરી બનાવવામાં આવી છે, જેમાં એ.સી., સી.સી.ટી.વી., સેપરેટ વાંચન-કક્ષ અને સ્પર્ધાત્મક પરીક્ષાનું તમામ સાહિત્ય વિદ્યાર્થિનીઓ માટે ઉપલબ્ધ છે. ઉપરાંત વિદ્યાર્થીઓને વર્ગ-ત્રણના કર્મચારીથી લઈ આઈ.એ.એસ. અધિકારીઓના માર્ગદર્શનનો લાભ મળશે.

Follow Me:

Related Posts