fbpx
ગુજરાત

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજાેત્સવ બન્યો : શિક્ષણમંત્રી

રાજ્યમાં ત્રી દિવસીય યોજાયેલા ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ – શાળા પ્રવેશોત્સવને મળેલા અપ્રતિમ સહયોગ અને કાર્યક્રમને મળેલી સફળતાનો શ્રેય જનતા જનાર્દનને આપતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે નાગરિકોએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દાખવેલો ઉત્સાહ અનેરો હતો. રાજ્યની ૩૦ હજારથી વધુ શાળાઓમાં યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ૪૫ લાખથી વધુ વિધ્યાર્થીઓ સહિત ૧ કરોડ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા અને તેને કારણે જ આ ઉત્સવ સાચા અર્થમાં સમાજાેત્સવ બની રહ્યો.

શિક્ષણમંત્રીએ ઉમેર્યુ હતુ કે, ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદાતભાવથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને પરિણામે ૨૦ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને પરિણામે રાજ્યમાં બાળકોનો એનરોલમેન્ટ રેશીયો ૧૦૦ ટકાની ખુબ જ નજીક પહોંચ્યો છે અને તેની સામે ડ્રોપ આઉટ રેશીયો પણ ઘટ્યો છે. બાળકોના શિક્ષણને કેન્દ્રસ્થાને રાખી સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં આ પ્રકારનો કાર્યક્રમ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મંત્રી મંડળના સભ્યો, પદાધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા શિક્ષણના આ મહાયજ્ઞમાં નાગરિકોએ આપેલા સહયોગ બદલ જનતાજનાર્દનનો આભાર માન્યો હતો.

૧૭ માં પ્રવેશોત્સવની સફળતાની ઝાંખી આપતા શિક્ષણમંત્રીએ જણાવ્યુ કે, તા.૨૩ થી ૨૫ જૂન દરમ્યાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલામાં ૫ લાખ ૭૨ હજાર બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉમંગ-ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. તે ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલમંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો છે. એટલુ જ નહિ, બાળકોમાં અત્યારથી જ પર્યાવરણની સમજ કેળવવાનો અભિગમ અપનાવી મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરાયુ છે.

શિક્ષણમંત્રી વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યની કુલ ૩૦,૮૮૦ પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લઇ ૧૦૦ ટકા નામાંકનની દિશામાં નક્કર કદમ ભર્યુ છે. શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડ્યો છે. સ્થાનિક કક્ષાએ વધુ બાળકો શાળામાં પ્રવેશ લે તે માટે દાતાઓ દ્વારા અવિરત લોકસહકાર-દાન આપવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યભરમાં સમાજ અગ્રણીઓ- સખાવતીઓએ રોકડ રૂ.૨.૫૪ કરોડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ.૨૬ કરોડની રકમનો લોકસહકાર મળી રૂ. ર૮.૫૩ કરોડનુ દાન આપ્યુ છે. તે ઉપરાંત બનાસકાંઠાના કાશીપુરા ખાતે રૂ.૧૦ લાખની કિંમતની જમીનનું દાન પણ મળ્યુ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ત્રણ દિવસમાં રાજ્યભરમાં ૨૩૬૪ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું કે, નામદાર હાઇકોર્ટ દ્વારા કરેલા અવલોકનમાં પણ રાજ્યની શાળાઓની સ્થિતિની સરાહના કરવામાં આવી છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.

Follow Me:

Related Posts