ખેડા જિલ્લાના કપડવંજ ખાતેથી લાખોની ઉચાપતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં કપડવંજમાં ભારત ફાયનાન્સિયલ ઈન્કલુજન લીમીટેડ કંપનીમાં ૧૧ હજારના પગાર દારોએ ફાયનાન્સ કંપનીમાંથી લાખોની ઉચાપત આચરી ભૂર્ગભમાં ઉતરી ગયા છે. કંપનીના બે સંગમ મેનેજરે ૮૭ જેટલા ગ્રાહકોના લોનના નાણાં રૂપિયા ૭.૦૫ લાખ ચાઉ કરી રફુચક્કર થઈ ગયા છે. સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે. નોંધનીય છે કે, ફેબ્રુઆરીથી કંપનીમાં ફરજ બજાવતા સંગમ મેનેજરે કંપનીને દગો આપ્યો છે. કપડવંજ ખાતેના રત્નાકર માતા રોડ ઉપર રહેતા ૩૪ વર્ષીય મહેશકુમાર ભુપતભાઈ રાઠોડ નગરમાં આવેલ ભારત ફાયનાન્સિયલ ઈન્કલુજન લીમીટેડ કંપનીમાં કપડવંજ શાખામાં યુનિટ મેનેજર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. અહીંયા લગભગ ૧૦ માણસો આ શાખામાં કામ કરે છે.
જેમાં સંગમ મેનેજર તરીકે ફેબ્રુઆરી માસથી ઠાકોર મહિપાલકુમાર ગલાભાઈ (રહે. મોટીબાર, તા.વિરપુર,જિ.મહિસાગર) અને મકવાણા વાસુદેવકુમાર અશોકભાઈ (રહે.ઉપરપુર, તા.શહેરા, જિ.પંચમહાલ) કામ કરે છે. આ બંને લોકોની કામગીરી જાેઈએ તો, ગ્રાહકોને લોન આપવાની તથા લોનના હપ્તા ઉઘરાવવાનું કામ છે. તેઓને કંપની તરફથી ૧૧ હજાર પગાર આ ઉપરાંત અન્ય ભથ્થા આપવામાં આવતા હતા. તેઓ રેગ્યુલર કામગીરી કરતા હતા અને આ હપ્તા લઇ ગ્રાહકોની લોન પાસબુકમાં એન્ટ્રી કરી રજીસ્ટરમાં નોંધ કરાવવામા આવતી હતી. જે કોઈ ગ્રાહકોને લોન આપવામાં આવતી હતી તે, ગ્રાહકોના લોનના હપ્તા આ બંને સંગમ મેનેજરનાઓ રજીસ્ટરમાં નોંધ કરી ગ્રાહકોની લોન પાસબુકમાં એન્ટ્રી પાડી જે રકમ આ મહિપાલકુમાર તથા વાસુદેવકુમારનાઓ ઉઘરાવતા હતા અને ઓફિસમાં જમા કરાવતા હતા. સપ્ટેમ્બર માસમાં આ બે સંગમ મેનેજર પૈકી મહિપાલકુમાર ઠાકોર પોતાના ઉપરી અધિકારીઓને જાણ કર્યા સિવાય કંપનીનો સર સામાન મૂકી જતા રહ્યા હતા.
આ બાદ નવેમ્બર માસમાં વાસુદેવકુમાર મકવાણા પણ કંપનીમાથી કોઈને જાણ કર્યા વગર જતાં રહ્યાં હતાં. બ્રાન્ચ મેનેજર મહેશકુમાર માછી તથા ડિવિઝન મેનેજર શ્યામવિર નરોગાએ ફિલ્ડમાં ચાલતા કામકાજનું જાણકારી લેતા અને ગ્રાહકોને રૂબરૂ મળતા વેરિફિકેશન દરમિયાન મહીપલકુમારે કપડવંજના ગામડાના અલગ અલગ ૨૮ જેટલા ગ્રાહકો પાસેથી પોતાની ફરજ દરમ્યાન લોનના હપ્તા કુલ રૂપિયા ૨ લાખ ૮૭ હજાર ૮૨૪ રૂપિયા લીધેલા અને વાસુદેવ કુમારે કપડવંજના અલગ અલગ ગામડા મળી ૫૯ જેટલા ગ્રાહકો પાસેથી પોતાની ફરજ દરમિયાન લોનના હપ્તા કુલ રૂપિયા ૪ લાખ ૧૭ હજાર ૩૬૯ રકમ લીધેલી ઓફિસમાં જમા ન કરાવતા આ નાણાં લઈને ફરાર થઈ ગયા હોવાનું ખુલ્યું છે.
આમ કુલ ૮૭ ગ્રાહકોના રૂપિયા ૭ લાખ ૫ હજાર ૧૯૩ ઉચાપત કર્યા હોવાનું ઓડિટમાં ખુલ્યું હતું. મહિપાલકુમાર અને વાસુદેવકુમારને નોટીસ દ્વારા જાણ કરવામાં આવી હતી અને રકમ જમા કરવા જણાવ્યું હતું. પરંતુ આજ દિન સુધી બ્રાન્ચમાં ઉપરોક્ત ચાઉ કરેલા નાણા જમા નહીં કરાવતા સમગ્ર મામલે કપડવંજ શાખાના યુનિટ મેનેજર મહેશકુમાર ભુપતભાઈ રાઠોડે ઉચાપત આચરનાર મહિપાલ ગલાભાઈ ઠાકોર અને વાસુદેવ અશોકભાઈ મકવાણા સામે કપડવન ટાઉનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૦૮ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Recent Comments