કપાસના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટેના પગલા લેવા માર્ગદર્શિકા બહાર પડાઇ

ભાવનગર જિલ્લા પંચાયત, ખેતીવાડી શાખા દ્વારા કપાસના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટેના પગલાં લેવાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવ્યાં મુજબ સફેદ માખીની વસ્તી પર દેખરેખ રાખવા માટે એકર દીઠ ૪૦ ના દરે પીળી સ્ટીકી ટ્રેપ ગોઠવવી. કપાસના ખેતરોમાં ઉપલબ્ધ કુદરતી દુશ્મનો જેવાં કે એન્કાર્સીયા ફોર્મોસા, એન્કાર્સીયા સ્પે., કરોળિયા, સિર્ફિડ ફ્લાય, ક્રાયસોપરલા, ઢાલીયા, ડ્રેગન ફ્લાય, મેન્ટિસ, શિકારી કીડીઓ, ભમરી વિગેરેને ઓળખવા, જાળવવા અને વધારવા કે જે સફેદ માખીની વસ્તીને ડામવામાં મદદરૂપ થાય. વર્ટીસીલિયમ લેકાની ૧.૧૫% ડબલ્યુપી ૫૦૦ લિટર પાણીમાં ૨.૫ કિગ્રા/હેક્ટર પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. સફેદ માખીના ઉપદ્રવ વખતે લીંબોળીની મીંજ ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીમડા આધારિત કિટનાશકનો ૧૦ મિલિ (૫ ઇસી) થી ૬૦ મિલિ (૦.૦૩ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
કપાસની સફેદ માખીના નિયંત્રણ માટે ભલામણ કરેલ જંતુનાશકો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૫ મિલિ, ફ્લોનિકામાઇડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ, ડાયફેન્થ્યુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ, ડીનોટેફ્યુરાન ૨૦ એસજી ૧૦ ગ્રામ, ક્લોથીઆનિડીન ૫૦ ડબલ્યુડીજી ૪ ગ્રામ, ફીપ્રોનિલ ૫ એસસી ૨૦ મિલિ, એસીફેટ ૫૦%+ઇમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૦ મિલિ, એસીફેટ ૫૦%+ફેનવેલરેટ ૩% ઇસી ૧૦ મિલિ, ફીપ્રોનીલ ૪%+એસીટામીપ્રીડ ૪% એસસી ૪૦ મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેરવી છંટકાવ કરવો. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કે.વી.કે/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Recent Comments