ગુજરાત

કરચીયા ગામમાં જૂની અદાવતમાં યુવકે મિત્રને લોખંડના ફટકારી મારી મોતને ઘાટ ઊતાર્યો

આજે તને પતાવી નાખવો છે, તેવી બુમો પાડીને વડોદરા શહેર નજીક આવેલા કરચીયા ગામમાં રહેતા પરમાર બંધુઓએ જુની અદાવતમાં બાજવાના તેમના જ યુવાન મિત્રના માથામાં લોખંડની પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ હતી. બાજવામાં ચકચાર મચાવી મૂકનાર આ બનાવ અંગે પોલીસે આરોપી ભાઇઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા બંધુઓની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે.

વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામમાં અમરસિંહની ચાલીમાં પરિવાર સાથે રહેતા અને જીએસએફસીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો ઇરફાન મહેમુદભાઇ દીવાન ૧૪ ઓગસ્ટના રોજ સાંજના સમયે નોકરી ઉપરથી છૂટીને ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે તેના સેફ્ટી બુટ ખરાબ થઇ ગયો હોવાથી બાજવાની બેંક ઓફ બરોડાની સામે આવેલી ખરીમાં બુટ ધોઇ રહ્યો હતો. તે સમયે બાજવાનો રહેવાસી અને છૂટક મજૂરી કામ કરતો પ્રતિક સતીષભાઇ પટેલ(ઉં.૨૮) બેસી રહ્યો હતો.

દરમિયાન કરચીયા ગામમાં રહેતા પરમાર બંધુ શૈલેષ ઉર્ફ અક્કી ભલાભાઇ અને ચંદુ ભલાભાઇ પરમાર લોખંડની પાઇપ લઇને ખરીમાં ધસી આવ્યા હતા અને ખરીમાં બેઠેલા પ્રતિક પટેલને જણાવ્યું કે, તે અમારી સાથે ઝઘડો કેમ કર્યો હતો ? આજે તને પતાવી નાખવો છે. તેમ જણાવી ચંદુ પરમારે પ્રતિકને પકડી રાખ્યો હતો અને શૈલેષ ઉર્ફ અક્કીએ માથામાં જીવલેણ લોખંડના ફટકા મારી બંને ભાઇઓ ફરાર થઇ ગયા હતા.

માથામાં લોખંડના પાઇપના ફટકા વાગતા જ પ્રતિક પટેલ સ્થળ પર લોહીના ખાબોચીયામાં ફસાડાઇ પડ્યો હતો. બીજી બાજુ પ્રતિક ઉપર થઇ રહેલા હુમલાને જાેઇ ઇરફાન દીવાન તુરંત જ તેની પાસે દોડી ગયો હતો. તે સાથે અન્ય લોકો પણ દોડી ગયા હતા. અને ગંભીર રીતે ઇજા પામેલા પ્રતિકને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

Related Posts