fbpx
સૌરાષ્ટ - કચ્છ

કરોડો રુપિયામાં તૈયાર થયેલ આમ્રપાલી ફાટકના બ્રિજમાં પાણી ભરાયા

રાજકોટમાં નવનિર્મિત અને થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું તે આમ્રપાલી ફાટકના બ્રિજમાં આજે પાણી ભરાઈ ગયું હતું. વરસાદ વગર જ ચોમાસા જેવું પાણી ભરાતા રેલનગર બ્રિજ જેવી જ સ્થિતિ થઈ હતી તેની પાછળ સિપેજ એટલે કે ભૂગર્ભ જળની સરવાણી કારણ હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બીજીવાર બની છે. આ પહેલા પણ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયાના પાંચમા દિવસે વગર વરસાદે અંડરબ્રિજમાં પાણી ભરાવાની ઘટના સામે આવી હતી. એટલે કે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવા ઘાટ ઘડાયો છે. એવું લાગી રહ્યું છે કે જાણે કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું હોય તેવા ઘાટ ઘડાય રહ્યા છે. હાલ બ્રિજમાં પાણી બંધ કરવા સાઈડ ની દીવાલો માં કેમિકલ ભરી ભરી બંધ કર્યું હતું પરંતુ પાણી તેનો રસ્તો શોધી જ લેશે.

અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હજુ પાંચ મહિના પહેલા જે બ્રિજનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ થયું હતું તેવા ફૂલહારથી સજ્જ બ્રિજમાં ફરી પાણી ભરાતા અહીંથી પસાર થતા લોકો પણ ચોંક્યાં હતા. તંત્રએ દાવો કર્યો હતો કે બ્રિજમાં પાણીની સેન્સરવાળી મોટર મૂકવામાં આવી હોવાથી પાણી ભરાશે નહીં. પરંતુ ભરઉનાળે બ્રિજમાં પાણી ભરાતા તંત્રનો દાવો પોકળ સાબિત થયો છે.

પાંચ માસ પૂર્વે જયારે આ બ્રિજનું લોકાર્પણ થયું હતું ત્યારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે,બ્રિજ ઊંડો હોવાથી ત્યાં ભૂગર્ભ જળ ઉતરે છે અને તે માટે એક ગડર બનાવી સમ્પ બનાવાયો છે. આ પાણી સમ્પમાં એકઠું થાય છે અને તે જ્યારે ભરાવા લાગે ત્યારે સેન્સર સુધી પાણી પહોંચે અને તેથી ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય અને પાણી ત્યાંથી બહાર નીકળી જાય છે. ત્યારે શું આજે મોટર બગડી ગઈ તેવા આક્ષેપો ત્યાંથી પસાર થતા લોકો કરી રહ્યા છે.

Follow Me:

Related Posts