fbpx
ભાવનગર

કલાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિતે અમદાવાદમાં યોજાનાર પ્રદર્શનમાં ભાવનગરના કલાકારો ભાગ લેશે

ગુજરાતના કલાગુરુ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિતે આવતી ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ૧૨૫થી વધારે જેટલા સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે.   ભાવનગરના કલાકારો આ પ્રદર્શનમાં પોતાના સર્જનો – કૃતિઓ પ્રસ્તુત કરીને કલા ગુરુની કલા વંદનામાં સહભાગી બનશે. શહેરના ૭ જેટલાં ચિત્રકારો અને શિલ્પકારોની કૃતિઓ આ પ્રદર્શનમાં જોવા મળશે.    આ અંગે જાણકારી આપતાં ગુજરાત આર્ટ ગેલેરીના સંવાહક શ્રી કૃષ્ણ પડિયાએ જણાવ્યું કે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રી હર્ષ સંઘવી – ગૃહ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રીશ્રી કરશે.     

આ પ્રદર્શન તારીખ ૧ થી ૪ ઓગસ્ટ ૨૦૨૨ સુધી સાંજના ૪થી૮ કલાક દરમિયાન કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે.પ્રદર્શનની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. સોસાયટીના હોદ્દેદારો અધ્યક્ષ શ્રી વૃંદાવન સોલંકી અમદાવાદ, પ્રમુખ ગગજી મોણપરા જામનગર, સેક્રેટરી ઉમેશ ક્યાડા રાજકોટ, ખજાનચી ચંદ્રકાંત પ્રજાપતિ સુરત તેમજ સંવાહક કૃષ્ણ પડિયા વડોદરા પ્રદર્શનને સફળ બનાવવા કાર્યરત છે. આ પ્રદર્શનનું સંચાલન અમદાવાદના ચિત્રકાર શ્રી મિલન દેસાઈ તેમજ ચિત્રકાર શ્રી મનહર કાપડિયા- કા. આચાર્ય, શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ દ્વારા થઈ રહ્યું છે.        

ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના પ્રથમ વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શનમાં વરિષ્ઠ કલાકારોથી લઈને યુવા તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરના કલાકારોમાં ખ્યાતનામ ચિત્રકાર શ્રી ભરત પંડ્યા, શામળદાસ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી અને ગુજરાત ગૌરવ પુરસ્કૃત કૃષ્ણ પડિયા(હાલ વડોદરા), ડો.અશોક પટેલ, સુશ્રી નિરુપમા ટાંક, શૈલેષ ડાભી, રમેશ ગોહિલ તેમજ જગદીશ જોષી પોતાની ઉત્તમ કલાકૃતિઓ રજુ કરશે.       ગુજરાત આર્ટ સોસાયટીના આ પ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરવાનો હોય, કોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારવા ગુજરાત આર્ટ સોસાયટીમાં માત્ર ગુજરાતી કલાકારનો જ સમાવેશ કરવામાં આવેલ છે.

ગુજરાત આર્ટ સોસાયટીમાં કલાકારોની એક મોટી ટીમ જિલ્લા, રાજ્ય, દેશ તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી કલાકારો દ્વારા જ કામ કરી રહી છે. જેમાં કલાકારો પોતાના નામ કે વ્યક્તિગત પ્રસિદ્ધની અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યાં છે. આ સંસ્થાના સભ્યપદની પસંદગીની પ્રક્રિયા નિયુક્ત માનદ્ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવે છે. આ સોસાયટીની સ્થાપના ૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ કરવામાં આવી હતી. આ એક જ વર્ષમાં ‘ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ’, આંકોલવાડી-ગીર ખાતે પ્રથમ કલા શિબિર પ્રતિનિધિ કલાકારો દ્વારા, બીજો મેગા આર્ટ કેમ્પ ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, સાપુતારા જેમાં ૫૩ જેટલાં સમકાલીન વરિષ્ઠ તેમજ યુવા કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોસાયટીના ૧૨ કલાકાર દ્વારા જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન કર્યું હતું.      

આઝાદી પહેલાં સમાજમાં પ્રસ્થાપિત એક એવી હવા હતી કે ચિત્રકાર એટલે દુકાનનું પાટિયું ચિતરતી વ્યક્તિ. શ્રી રવિશંકર રાવલે અનેક ચિત્રકારોને કામ કરતાં કરી ગુજરાતની છબીને ગરિમા ભર્યું સ્થાન અપાવ્યું. તેઓ એક ચિત્રકાર ઉપરાંત સાક્ષર, કલા વિવેચક, પત્રકાર અને નિબંધકાર હતા. તેમણે ‘વીસમી સદી’ સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક ‘કુમાર’ની સ્થાપના કરી હતી. આ ‘કુમાર’ જેમને ત્યાં આવતું તેઓ પોતાની જાતને ગૌરવ અનુભવતાં. આવા કલાગુરુના જન્મોત્સવ નિમિતે ૧૨૫થી વધારે કલાકારો દ્વારા આ કલાયજ્ઞમાં અમદાવાદના આંગણે એક ઇતિહાસ રચાતો હોય ત્યારે આપ દરેક કલાકાર, કલા રસિક તેમજ નાગરિકોને સહભાગી બનવા હાર્દિક આમંત્રણ છે.

Follow Me:

Related Posts