અમરેલી

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સુજલામ-સુફલામ યોજના અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

રાજ્યમાં જળ સિંચનના ભગીરથ પ્રયાસોના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળ સિંચન અભિયાન અન્વયે વિવિધ કાર્યો થઈ રહ્યા છે. કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સુજલામ-સુફલામ યોજના અમલીકરણ સમિતિની  બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લામાં સુજલામ-સુફલામ જળસિંચન અભિયાન હેઠળ વર્ષ-૨૦૨૨માં અસરકારક કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં વર્ષ-૨૦૨૨ દરમિયાન નિયત સમય મર્યાદામાં ૩૦૯ કામો પૂર્ણ થયા છે.  જિલ્લામાં થયેલા કામોમાં જળ સિંચન વિભાગ (રાજ્ય) અમરેલીના ૬૫ કામો રુ.૧૮૩.૦૭ લાખના ખર્ચે, પંચાયત સિંચન અમરેલી દ્વારા ૪૬ કામો રુ.૪૬.૮૦ લાખના ખર્ચે, જળ સંપત્તિ અમરેલી દ્વારા ૧૧૧ કામો રુ.૨૨૯.૮૭ લાખના ખર્ચે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૯૪ કામો રુ.૧૭૬.૪૯ લાખના ખર્ચે, જિલ્લા જળ સ્ત્રાવ એકમ અમરેલી દ્વારા રુ.૯૫.૭૩ લાખના ખર્ચે ૩૩ કામો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, અમરેલી દ્વારા રુ. ૪.૫૯ લાખના ખર્ચે ૨૭ કામો તેમજ શહેરી વિકાસ નગરપાલિકા દ્વારા રુ.૨૮.૫૧ લાખના ખર્ચે ૪૪ કામો પૂર્ણ થયા છે. 

અધ્યક્ષશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી તેમજ સમિતિના અન્ય સભ્યો સમક્ષ ચૂકવણાના બીલ સહિતની વિવિધ માહિતીઓ રજૂ કરવામાં આવી હતી. નોડલ અધિકારીશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સમક્ષ,  કામ દીઠ ફાઈલ રજૂ કરવામાં આવી હતી.  ૩૦૯ કામો પૈકીના ૬૦:૪૦ લોકભાગીદારીથી થયેલા ૯૧ કામો માટે રુ.૮૬,૪૭, ૫૦૯.૦૦ લાખના બીલનું ચૂકવણું કરવાની મંજૂરી અધ્યક્ષ સ્થાનેથી આપવામાં આવી હતી. જળસંપત્તિ વિભાગ દ્વારા,  સો ટકા લોકભાગીદારીથી પૂર્ણ થયા હોય તેવા ૧૯ કામ પૂર્ણ થયા હોય તેની રકમ ચૂકવવાપાત્ર રહેતી નથી. એક ખાતાકીય કામ માટે ૦.૯૫ લાખની રકમ ચુકવણું કરવામાં આવ્યું. મનરેગા યોજના અંતર્ગત ૯૪ કામના રુ.૧૭૬.૪૯ લાખની રકમ ખર્ચ કમિટી દ્વારા ચૂકવવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પ્રત્યેક કામના કિસ્સામાં કામનું નામ, સ્થળ, મેઝરમેન્ટ બુક, કામના બીલો, સારી ગુણવત્તાના ફોટોગ્રાફ્સ, વગેરે સહિતનાં રેકર્ડ જાળવી રાખવા તેમજ બીલનું ચૂકવણું કરતાં પહેલાં કામ થયાની ખરાઈ કરવાની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત જરુરી સૂચનો અને આદેશો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નોડલ અધિકારીશ્રી, સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૨, કાર્યપાલક ઈજનેરશ્રી, જળ સિંચન (રાજ્ય), પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ સહિતના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts