કલોલમાં ટ્રક રિવર્સ લેતી વખતે દીવાલ વચ્ચે આવતા યુવકનું થયું મોત
કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં બનતા નવા મકાનનું કામકાજ ચાલી રહ્યું હતું. ત્યાં આગળ આવેલ એક ટ્રકે ગફલત ભરી રીતે રિવર્સ મારતા દિવાલ પાસે ઉભેલ યુવાન ટ્રક અને દિવાલ વચ્ચે કચદાઈ ગયો હતો. અને તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકાના પંચવટી વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર સોસાયટીમાં નવા મકાનમાં પ્લમ્બિંગ સહિતના કામોનું કામકાજ ચાલી રહ્યું હતું. જેમાં મૂળ મોરબી તાલુકાના બોડકા ગામના વતની તેમજ હાલમાં અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલ શ્રમજીવી નગરના છાપારામાં રહેતા દેવજીભાઈ ચકુભાઈ વાઘોરા નું પ્લમ્બિંગ નું કામ ચાલતું હતું.
જેઓ મકાનની બાજુની દીવાલ પાસે ઊભા હતા તે દરમિયાન એક ટ્રક નં. જીજે ૧ વાય ૪૪૮૩ના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે તેમજ ગફલતભરી રીતે હંકારી રિવર્સમાં લીધી હતી. તે વખતે દેવજીભાઈ સોસાયટી ના એક મકાનની દિવાલ પાસે ઉભા હતા. ત્યારે કાળ બની આવેલ ટ્રકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત ના પગલે તેઓ ટ્રક અને દીવાલ વચ્ચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને ૧૦૮ મારફતે કલોલ સિવિલ લાવતા તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જેમના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અંગે મૃતકના પત્ની દક્ષાબેન એ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકચાલકની બેદરકારીના કારણે એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે ટ્રકચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
Recent Comments