કલોલમાં નજીવી બાબતે બબાલઃ યુવક પર તલવાર-ચપ્પા વડે હુમલો કરતા ૪૪ ટાંકા આવ્યા
ગાંધીનગર કલોલના ત્રીકમ નગર પાસે સલાટ વાસમાં રહેતા બે ભાડૂઆત વચ્ચે થયેલી નજીવી તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતા એક ઈસમે તલવાર તેમજ ચપ્પા વડે જીવલેણ હુમલો કરતાં ૨૭ વર્ષીય યુવકને માથા તેમજ હાથ પગના ભાગે કુલ ૪૪ ટાંકા લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે કલોલ શહેર પોલીસે દંપતિ સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગરના કલોલ સલાટ વાસમાં રહેતા સંદીપ ચૌહાણએ નોંધાવેલી ફરિયાદ મુજબ સલાટ વાસમાં રહેતા આનંદ દંતાણી તેમજ તેની પત્ની ઉર્મિલા દંતાણીએ સંદીપને મકાન ખાલી કરાવવાનું કેમ કહે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી સંદીપ તેઓને લઈને પોતાના મકાન માલિક પાસે ગયાં હતા. અને મકાનમાલિક રોહિત બંજારાએ બંને પક્ષે સમાધાન કરાવ્યું હતું. તેમ છતાં ૯ઃ૩૦ એક વાગ્યાના સુમારે સંદીપ સલાટ વાસમાં આવતો હતા. તે દરમિયાન આનંદ અને તેની પત્ની ઉર્મિલા તેમજ ચેતન પરમાર (રહે. ત્રીકમ નગર કલોલ)ભેગા મળીને મન ફાવે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી સંદીપને ગડદાપાટુનો માર માર્યો હતો.
જેથી સંદીપ દોડીને કલોલ રેલવે સ્ટેશન તરફ ભાગ્યો હતો. ત્યારે હનુમાન મંદિર પાસે ચેતન પરમારના પિતા ખેંગાર એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ચપ્પુ લઇને દોડી આવ્યા હતા. અને સંદીપ માથાના હાથ અને પીઠનાં ભાગે તલવાર વડે હુમલો કર્યો હતો. આટલેથી નહીં અટકેલા ખેંગારે સંદીપને માથાના વચ્ચેના ભાગે પણ હુમલો કર્યો હતો. તેમજ ચપ્પાથી પણ શરીરે ગંભીર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સંદીપ લોહીલુહાણ હાલતમાં રેલવે સ્ટેશન તરફ ભાગ્યો હતો. ત્યારે રસ્તામાં તેના મિત્રો મળી ગયા હતા. બાદમાં સંદિપને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કલોલ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો.
Recent Comments