fbpx
ગુજરાત

કલોલમાં ૧૫ લાખ રોકડા અને સોનાની લૂંટ કરવા દાગીના ઘડનારા કારીગરની હત્યાનો ભેદ ઉકેલાયો, ફરીવાર લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે

૧૫ લાખથી વધુની રોકડ તેમજ સોનાની લૂંટ કરવા માટે કલોલ શહેરમાં બીટી-૧ મોલની બંધ દુકાનમાંથી કાચા સોનામાંથી દાગીના ઘડનારા પરપ્રાંતિ પ્રભાકરની લાશ મળી આવી હતી અને પોલીસ દ્વારા તેની હત્યાનો ભેદ પણ ઉકેલી લેવામાં આવ્યો છે. ૧૫ લાખથી વધુની રોકડ તેમજ સોનાની લૂંટ કરવા માટે પ્રભાકરને તેના મિત્ર શ્રીમંતો દાસે દારૂમાં ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ કલોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી સાડા ત્રણસો ગ્રામ સોનું અને અઢી લાખ રૂપિયા રીકવર કરી ફરીવાર મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરવાની તૈયારીઓ કરી છે. છેલ્લા દસેક વર્ષથી કલોલ શહેરમાં આવેલ બીટી મોલ – ૧ ખાતે પ્રભાકર નાંગરે, શ્રીમંતો દાસ, અને ભોલુ બંગાળી સોનું ગાળીને દાગીના બનાવવાનો ધંધો કરે છે.

જેનાં કારણે કલોલ સોની બજારના સોનીઓ દ્વારા આ ત્રણેય મિત્રોને સોનાના દાગીના બનાવવા તેમજ કાચું સોનાના કામ આપવામાં આવતા હતા. પ્રભાકર દાગીના બનાવવાની સાથે અત્રેના વેપારીઓનું કાચું સોનું તેમજ રૂપિયા અમદાવાદથી લઈ આવવાનું પણ કામ કરતો હતો. પ્રભાકર દસેક વેપારીઓના રૂપિયા તેમજ અંદાજીત ૬૦૦ ગ્રામ સોનું અમદાવાદથી લઈ આવ્યો હતો. જેથી વેપારીઓ તેની રાહ જાેઈને બેસી રહ્યા હતા. પરંતુ આ વખતે પ્રભાકર બીજા દિવસે પણ નહીં આવતાં વેપારીઓએ તેની શોધખોળ આદરી હતી. જ્યારે ત્રણ મિત્રો પૈકીનો ભોલુ બંગાળી દુકાને ગયો હતો. જ્યાં પ્રભાકરને શંકાસ્પદ હાલતમાં પડેલો જાેતા શ્રીમંતોએ કહેલું કે રોજની જેમ પ્રભાકર દારૂ પી ગયો છે. બાદમાં ભોલુ બંગાળી વેપારીઓને મળી ગયો હતો. જેણે પ્રભાકર દારૂ પીને દુકાનમાં પડ્યો હોવાનું કહેતા મૃતકની પત્ની અને સોનાના વેપારીઓ રાતના સમયે બીટી મોલ પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં શ્રીમંતો દુકાનને તાળું મારી ફરાર થઈ ગયો હતો. બાદમાં વેપારીઓએ પોલીસને બોલાવીને દુકાનના શટરનું તાળું તોડયું હતું. જ્યાં દુકાનની પાર્ટીશન વાળા દરવાજાને ખોલતાં જ પ્રભાકર શંકાસ્પદ રીતે મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ પ્રકરણમાં કલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં શ્રીમંતો દાસ નાટયાત્મક રીતે પોલીસના હાથમાં આવી ગયો હતો. જેણે લાખો રૂપિયા અને સોનાની લાલચમાં પ્રભાકરને દુકાને બોલાવીને દારૂ પીવડાવ્યો હતો. જેમાં ઝેરી પ્રવાહી મિલાવેલ હોવાથી પ્રભાકર તરફડિયાં મારીને મોતને ભેટયો હતો. બાદમાં અંદાજીત ૧૫ લાખ રોકડા અને ૬૦૦ ગ્રામ સોનું લુંટી લઈને દુકાનને તાળું મારી ભાગી ગયો હતો. અહીંથી નીકળીને શ્રીમંતો તેના એક ડોક્ટર મિત્રનાં ત્યાં ગયો હતો. જ્યાં મોકો મળતાં જ લૂંટનો માલ બીએચએમએસ ડોક્ટરના માળીયામાં સંતાડી દીધો હતો અને ત્યાં જ સૂઈ ગયો હતો. જેને પોલીસે નાટયાત્મક રીતે પકડી પાડી સાડા ત્રણસો ગ્રામ સોનું અને અઢી લાખ રોકડ જ રિકવર કરી શકી છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. પ્રભાકરે દારૂ પીધો હતો. જેને ઉલ્ટી થતા પાણી માંગ્યું હતું. એટલે શ્રીમંતો દાસે પાણીના સોનું ગાળવા માટે વપરાતુ પોટાશ નામનું ઝેરી કેમિકલ મિલાવીને પીવડાવી દીધું હતું. હાલમાં સાડા ત્રણસો સોનું અને બે લાખ હોવાનું મૃતકની પત્નીએ કહ્યું છે. અન્ય સોનાના વેપારીઓ પણ કહેશે તો અમે તપાસ કરીશું. બીજી તરફ સોની બજારના વેપારીઓએ પોલીસને મળીને પ્રભાકર પાસે ૧૫ લાખની રોકડ તેમજ બીજું સોનું પણ હોવાની રજૂઆત કરી હતી. તો પોલીસની દિશા વિહીન તપાસથી વેપારીઓ પણ અવઢવમાં મુકાઈ ગયા છે કેમકે પોલીસ માલ મત્તાનો પુરાવો માંગી રહી છે અને સ્વભાવિક છે કે સોનાના વેપારીઓનો ધંધો મૌખિક ચાલતો હોય છે. હાલમાં પોલીસે ફરીવાર મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા તૈયારી કરી શ્રીમંતો વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછતાંછ શરૂ કરી છે.

Follow Me:

Related Posts