ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેથી ૧૪ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના ઈરાદે બંગાળી યુવક અપહરણ કરીને ફરાર થઇ જતાં સાતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા ફરિયાદીનાં પરિવારમાં પત્ની તેમજ પાંચ દીકરી અને એક દિકરો છે. બીમારીના કારણે ફરિયાદી કામ કરવામાં અશક્ત હોવાથી ઘરે રહીને સંતાનોની દેખભાળ રાખે છે. જ્યારે તેમની પત્ની ખાત્રજ ખાતેની ફેક્ટરીમાં કામ કરવા જાય છે. જેમની ૧૪ વર્ષીય દીકરી ઘરે જમવાનું બનાવીને નિત્યક્રમ મુજબ ગત. તા. ૨૩મી જુલાઈના રોજ બપોરના સમયે માતાને ટિફિન આપીને ઘરે પરત ફરી હતી.
ચાર વાગ્યાના અરસામાં સગીરા તેના પિતાને કપડાં લેવાના હોવાથી માતા પાસે જતી હોવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. સાંજ પડતાં પત્ની નોકરીએથી પરત ફરતા પિતાએ દીકરી વિશે પૃચ્છા કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, સગીરા માતાને મળીને ફેક્ટરી પરથી પણ નીકળી ગઈ હતી. જે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેની માતાએ ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરી હતી.
માચાએ ફેક્ટરીમાં તપાસ હાથ ધરતાં માલુમ પડયું હતું કે, સગીરા ટિફિન આપવા ફેક્ટરી પર આવતી ત્યારે ત્યાં કામ કરતા તન્મય હિરેનભાઈ દેબનાથ (રહે. ગોપાલનગર, જમશેરપૂર, વેસ્ટ બંગાલ) સાથે અવારનવાર વાતો કરતી હતી. જેથી દંપતીએ તન્મયની પણ શોધખોળ આદરી તેના મોબાઈલ પર સંપર્ક શરૂ કર્યા હતા, પરંતુ તેનો ફોન પણ સતત સ્વીચ ઓફ આવતો હોવાથી તન્મય દેબનાથ જ પોતાની સગીર દીકરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ કરતા સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
Recent Comments