અમદાવાદમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી ગયું છે. કોરોનાની ગાઈડલાઈનના બંધનથી મુક્તિ મળતાં હવે લોકો ફરવા નીકળ્યાં છે. કાંકરિયા લેક ખાતે સવારના સમયે મોર્નિંગ વોક કરવા જતાં લોકોની સંખ્યામાં પણ હવે વધારો થયો છે. બીજી બાજુ કાંકરિયા ઝૂ ખાતે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની એક જાેડી પણ લાવવામાં આવી છે. તે ઉપરાંત લેકમાં ગ્રીનરીનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું હોવાથી લોકો બપોરના સમયે ત્યાં આવીને સમય પસાર કરી રહ્યાં છે. કાંકરિયા ઝૂ ઉપરાંત નોક્ટર્નલ ઝૂ સહિત કિડ્સ સિટીમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી ૧૯ એપ્રિલ-૨૦૨૨ સુધીમાં કિડસસિટી ખાતે ૬૩૪૮ મુલાકાતી પહોંચ્યા હતા. કાંકરિયા પ્રાણી ઝૂ અને નોક્ટર્નલ ઝૂ ખાતે ૧૫ જૂન -૨૦૨૧થી ૨૪ માર્ચ-૨૦૨૨ સુધીમાં કુલ મળીને ૨૨ લાખ ૯૬ હજાર ૭૮૩ લોકોએ મુલાકાત લીધી હતી.
આ સમય દરમ્યાન કુલ આવક ૫ કરોડથી વધુ થવા પામી હતી. ૧૯૫૧માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી ૭૧ વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાણીઓને તેમની અનુકૂળતા પ્રમાણે રહી શકે એવાં પાંજરાં બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દિલ્હી ખાતેથી પરમિશન લઈને એને બદલવાની કામગીરી વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં મુકાઈ છે. બીજી તરફ કાંકરિયામાં ફ્રેન્ડ્સ ઓફ ઝૂ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં માત્ર ૨૫ પ્રાણીઓ દત્તક લેવામાં આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝૂમાં રાખવામાં આવેલા તમામ પશુ-પક્ષીઓના ખાધાખોરાકીની જવાબદારી કોરોના મહામારીના સમયમાં પણ સુપેરે પાર પાડી હતી. ૨૦૨૧-૨૨માં કુલ ૨૫ પ્રાણી દત્તક લેવામાં આવતા ઝૂને આ પેટે ૫.૩૩ લાખની આવક થવા પામી હતી. ફ્રેન્ડઝ ઓફ ઝૂ યોજના હેઠળ રીંછ ઉપરાંત કંચનમૃગ, શાહુડી, હાથણી, ઝરખ, સસલા ઉપરાંત પક્ષીઓમાં મોર, લવબર્ડ, સફેદ ડવ, સફેદ મોર, ઘુવડ, બજરીગર, ગીધ તથા સરિસૃપમાં ટોરટોઈઝ, નાગ, અજગર અને ટરટલ જેવા પ્રાણીઓ દત્તક લેવામાં આવી રહ્યા છે.
Recent Comments