‘એક પેડ મા કે નામ’ અભિયાન ઃ ગુજરાતના ખેડા જિલ્લાના કર્મયોગીઓએ ૧૯,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૧૫ ઓગસ્ટે પીપલગના ‘કર્મયોગી વન’માં એક રોપાની વાવણી કરશેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ નડિયાદ તાલુકાના પીપલગ ગામે ૧૯,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ એક નવી પહેલ તરીકે પીપલગ ગામના સર્વે નંબર ૩૮૬ના ૧.૯૦ હૅક્ટર વિસ્તારમાં વિવિધ પ્રજાતિઓના લગભગ ૪,૦૦૦ રોપાઓ વાવીને ‘કર્મયોગી વન’ તૈયાર કરવામાં આવ્યું છે. આ વનને તૈયાર કરવામાં સામાજિક વનીકરણ વિભાગ અને પીપલગ ગ્રામ પંચાયતનો મોટો સહયોગ રહ્યો છે
આગામી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ આયોજિત થનારા સ્વાતંત્ર્ય દિવસના રાજ્ય કક્ષાના સમારોહમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ જશે ત્યારે તેઓ પણ પીપલગના આ ‘કર્મયોગી વન’માં એક રોપાની વાવણી કરશે.
‘એક પેડ મા કે નામ’ અભિયાનના અભિગમને સાર્થક કરવા માટે અહીં આકાર લેનાર વનની વચ્ચોવચ્ચ માતા-બાળકનું એક પ્રતીકાત્મક શિલ્પ મૂકવામાં આવશે, જેનું અનાવરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. માતાની સ્મૃતિમાં વૃક્ષારોપણ એ બાબતનું પણ પ્રતીક છે કે આપણે જે કંઈ પણ પ્રકૃતિ પાસેથી મેળવ્યું છે, તેને શ્રદ્ધાપૂર્વક પરત કરવાની આપણા હૃદયમાં લાગણી છે.
પીપલગનું આ ‘કર્મયોગી વન’ તૈયાર કરવા માટે મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, પોલીસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ૭ થી ૧૦ ઓગસ્ટ, ૨૦૨૪ દરમિયાન પોતાની માતાના નામની તકતીઓ સાથે શ્રમદાન કરતા વૃક્ષારોપણ કર્યુ હતું. મહેસૂલ વિભાગ દ્વારા ૭ ઑગસ્ટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર, અધિક નિવાસી કલેક્ટર તથા અન્ય મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓએ રોપાઓ વાવ્યા હતા. પંચાયત વિભાગ દ્વારા ૮ ઑગસ્ટે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા પંચાયત વિભાગના અન્ય કર્મચારીઓ-અધિકારીઓએ રોપાઓની વાવણી કરી હતી. આ સાથે જ, પોલીસ વિભાગ દ્વારા ૯ ઑગસ્ટે યોજાયેલ એક કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક તથા ઉપાધિક્ષકો સહિત વિભાગના અન્ય અધિકારીઓ-કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યું. શિક્ષણ વિભાગ દ્વારા ૧૦ ઑગસ્ટે યોજવામાં આવેલ કાર્યક્રમમાં પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની માતાની સ્મૃતિમાં અથવા તેમના સન્માનમાં રોપાઓ વાવ્યા.
ઉલ્લેખનીય છે કે પીપગલ ગ્રામ પંચાયતે લોકભાગીદારીથી આ ‘કર્મયોગી વન’માં રોપવામાં આવેલ ૪,૦૦૦ રોપાઓના ઉછેર માટે બોર તથા ઇલેક્ટ્રિક મોટરની વ્યવસ્થા કરી છે. રોપા-વૃક્ષોની સારસંભાળ માટે જરૂરી પાવડા, કુહાડીઓ તથા તાંસળા વગેરે ઉપકરણો રાખવા માટે એક રૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ‘કર્મયોગી વન’ના સમગ્ર ૧.૯૦ હૅક્ટર વિસ્તારને સિમેન્ટની દીવાલ વડે રક્ષા કવચ આપવામાં આવ્યું છે કે જેથી કોઈ પશુ અંદર ન ઘૂસી શકે અથવા રોપાઓને બીજી કોઈ રીતે નુકસાન ન પહોંચે. વન ભૂમિની બંને બાજુ ગેટ લગાવવામાં આવ્યા છે, જેથી ભૂમિનું ખેડાણ કરી તેને રોપાઓની વાવણીને યોગ્ય બનાવવા માટે મિનિ ટ્રેક્ટરોનું આવાગમન સુનિશ્ચિત થઈ શકે. ખેડા જિલ્લાના સરકારી કર્મચારીઓએ આ પહેલ વડે પ્રકૃતિ સંરક્ષણ તથા માતા પ્રત્યે સન્માન પ્રગટ કરવાના વડાપ્રધાનશ્રીના અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગ્લોબલ વૉર્મિંગ તેમજ ક્લાઇમેટ ચેન્જ જેવા પ્રવર્તમાન સંકટોને પહોંચી વળવાની દિશામાં પોતાનો ફાળો પણ આપ્યો.
Recent Comments