કાટવાણા ગામે વૃદ્ધાને છરીના ઘા મારી કાનના વેઢલા લૂંટી ફરાર
પોરબંદર તાલુકાના કાટવાણા ગામે રહેતા નાથીબેન છગનભાઇ ગોરાણીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધા તેમના ભાઈ પરબત સાથે રહેતા હતા. તેનો ભાઈ પરબત ગામના બસ સ્ટેશન પાસે ચાની હોટલે હતો તે દરમ્યાન આ વૃદ્ધા ઘરે એકલા હતા. વૃદ્ધાના ફળિયામાં સાફ સફાઈ કરતા હતા ત્યારે વૃદ્ધાના મકાનની દીવાલ કૂદીને એક શખ્સ આવી ચડ્યો હતો અને વૃદ્ધા કાંઈ સમજે તે પહેલા જ આ શખ્સે વૃદ્ધાને છરીના ઘા માર્યા હતા. આ શખ્સ મોઢે રૂમાલ બાંધીને આવ્યો હતો અને છરીના ઘા મારી વૃદ્ધાને કાનમાં પહેરેલ વેઢલા આપી દે તેવું કહેતા આ વૃદ્ધાએ કાન માંથી વેઢલા ઉતારી આપી દીધા હતા જેથી આ શખ્સ વૃદ્ધાને છરી વડે ૫ થી ૭ ઘા મારી જીવલેણ હુમલો કરી વેઢલા લૂંટી નાશી છૂટ્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલ વૃદ્ધાને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા જ્યાંથી વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. બગવદર પોલીસ મથકના પીએસઆઇ એચ.સી. ગોહિલ, ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મહત્વની વાત એ છેકે શખ્સે જેને સોનાના વેઢલા સમજી હુમલો કરી વેઢલાની લૂંટ ચલાવી છે એ વેઢલા નકલી હોવાનું વૃદ્ધાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું છે. કાટવાણા ગામે વૃદ્ધા પર છરીના ઘા મારી વેઢલાની લૂંટ કરનાર શખ્સનો ટુવાલ ત્યાં પડી ગયો હતો.
આ શખ્સ નાશી છૂટ્યો છે ત્યારે તેને ઝડપી લેવા ડોગ સ્કવોર્ડની મદદ લેવામાં આવશે તેમજ પોલીસની ટીમો બનાવી આસપાસ વાડી વિસ્તારોમાં મજૂરોની પુરછપરછ કરવામાં આવશે તેવું ડીવાયએસપી સ્મિત ગોહિલે જણાવ્યું હતું.પોરબંદર તાલુકાના કાટવાણા ગામે વૃદ્ધાના કાનમાં સોનાના વેઢલા સમજી શખ્સે વૃદ્ધાને છરીના ઘા ઝીંકી નકલી વેઢલા લઈ શખ્સ નાશી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાને વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલે ખસેડાયા છે.
Recent Comments