ગુજરાત

કાયદા મંત્રી કહ્યું કે, પારિવારિક સંબંધો વિવાદો ટળે તે માટે આ નવતર અભિગમ અપનાવાયો છે

રાજ્યમાં પારિવારિક ઝઘડા કે વિવાદો કોર્ટમાં ન પહોંચે અને પક્ષકારોને સામાજિક રીતે ન્યાય મળે તેવી વ્યવસ્થાના ભાગરૂપે રાજ્ય સરકારે નવી ફેમિલી ફર્સ્ટ- સમજાવટનું સરનામું યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ પારિવારિક ઝઘડામાં સમિતિ સુલેહ કરાવી બંને પક્ષકારોને ન્યાયનો પ્રયાસ કરશે. શહેરમાં છેલ્લા ૩ મહિનામાં થયેલી ૨૭ હત્યામાંથી ૬૫ ટકામાં પરિવારનો હાથ હતો. કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યું વાતાવરણ સર્જાય, પારિવારિક સંબંધો સુદ્‌ગઢ બને અને વિવાદો ટળે તે માટે આ નવતર અભિગમ અપનાવાયો છે.

આ યોજના હેઠળ તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિની રચના થશે. કૌટુંબિક વિવાદોનો ઉકેલ કોર્ટ બહાર તેમજ સામાજિક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમિયાનગીરીથી કરવાનો હેતુ છે. આ સમિતિની કાર્યવાહીનો કોઇ ન્યાયિક કે અર્ધન્યાયિક કાર્યવાહીમાં પુરાવા તરીકે ઉપયોગ થઇ શકશે નહીં. જે તે જિલ્લાના એસપી અથવા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી સામાજિક પ્રશ્ન સમજાવટ માટે સમિતિને મોકલી શકશે. આ યોજનામાં જિલ્લાકક્ષાએ કલેક્ટર કે અધિક નિવાસી કલેક્ટર અને તાલુકાકક્ષાએ મામલતદાર સમિતિના અધ્યક્ષ રહેશે.

સમિતિમાં સભ્ય તરીકે સ્થાનિકકક્ષાના સામાજિક રીતે પ્રતિષ્ઠિત અને વર્ચસ્વ ધરાવતા આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કાયદાના જાણકાર વ્યક્તિનો સમાવેશ કરાશે. જેમાં બે અધિવક્તા સભ્ય હશે. શક્ય હોય ત્યાં સુધી એક મહિલા સભ્યની પણ નિમણૂક કરાશે. બે આમંત્રિત સભ્ય તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિને બોલાવી શકાશે. બિનસરકારી સભ્યોને કેસની સુનાવણી દીઠ રૂ. ૧૫૦૦ લેખે દર મહિને વધુમાં વધુ ૮ હજાર સુધીનું માનદ વેતન મળશે. આ સમિતિ પક્ષકારોનું કાઉન્સેલિંગ કરીને કેસનો નિકાલ કરશે તેમજ સુલેહ કરાવવાના બને તેટલા પ્રયત્નો કરશે.

તમામ મુદ્દાની તપાસ બાદ જરૂર જણાય તો તત્કાલ આશ્રય સહિત જરૂરી કાળજી અને રક્ષણની ચોક્સાઇ કરશે. સમિતિ દરેક કેસોનું દસ્તાવેજીકરણ કરીને વિસ્તૃત નોંધ રાખશે. પારિવારિક વિવાદોમાં સ્ત્રી અને બાળકોનું હિત જળવાય તે માટે સંસ્થાઓ, સંગઠનોની મદદ લઇ શકશે તેમજ પોલીસની પણ મદદ લઇ શકશે. સમિતિની બેઠકનું કોરમ ત્રણ સભ્યોથી બનશે. બેઠકમાં લેવાયેલો ર્નિણય અન્ય સભ્યો પાસે અનુમોદિત કરાવવો જરૂરી બનશે. પક્ષકારે કરેલી રજૂઆત ખાનગી રખાશે.

Related Posts