ભાવનગર શહેરના કાળીયાબિડમાં રહેતો યુવાન ગત રોજ મિત્રની ટી-શોપ પર ચા પીવા ગયો હતો. એ દરમિયાન તેના ઘર પાસે રહેતા શખ્સ સાથે તેની માથાકૂટ થઈ હતી. જેને લઈને આ શખ્સે અન્ય પાંચ શખ્સો સાથે મળી યુવાન સાથે ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી યુવાનને ગંભીર ઈજા પહોંચી છે. આ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ કાળીયાબિડમાં દરબારી ગૌ-શાળા પાસે રહેતો અને લખુભા હોલ પાસે પાન-મસાલાની દુકાન ચલાવતો બલદિપ નીરૂભા ગોહિલ ઉ.વ.૩૮ ગત રોજ રાત્રીના સમયે વાઘાવાડી રોડપર આવેલી તેના મિત્રોની ટી-પોસ્ટ શોપ નામની દુકાને ચા પીવા બાઈક લઈને ગયો હતો. એ દરમિયાન કાળીયાબિડમાં જ રહેતો રાજદિપસિંહ કનકસિંહ ચુડાસમા ત્યાં આવેલ આ રાજદિપ સાથે બલદિપને અગાઉ માથાકૂટ થઈ હોય જેની દાઝ રાખી રાજદિપે બલદિપને ગાળો આપી ઝઘડો કર્યો હતો.
ત્યારે બલદિપે ગાળો દેવાની ના પાડતાં રાજદિપે તેના પિતા કનકસિંહને કોલ કરી સ્થળ પર બોલાવતા કનકસિંહ તેના બે મિત્રો સાથે સ્થળ પર આવી બલદિપ પર ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ હવે સામે દેખાયો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ દરમિયાન ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર બાદ તેણે રાજદિપ તેના પિતા કનકસિંહ સહિત બે અજાણ્યા શખ્સો સહિત પાંચ શખ્સોઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ દાખલ કરી શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.


















Recent Comments