કુંકાવાવ-વડીયા તાલુકામાં બીજી એનિમલ એમ્બ્યુન્સ કાર્યરત થતા ૨૦ ગામના પશુપાલકોને ફાયદો મળશે
અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના બાંભણીયા ગામે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ‘ફરતું પશુ દવાખાનું’ એનિમલ એમ્બ્યુલન્સનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ લોકાર્પણ કર્યું હતું. આ પશુ એમ્બ્યુલન્સ થકી જંગર અને આસપાસના ૧૦ ગામના પશુપાલકોને લાભ થશે. નાયબ મુખ્ય દંડકશ્રી અને પશુપાલનના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ ‘ફરતું દવાખાનું’ને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અંગે વિગતો આપતા અમરેલી જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રીએ જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ એમ્બ્યુલન્સનું હેડ કવાર્ટર જંગર રાખવામાં આવ્યું છે. જંગર ઉપરાંત બરવાળા-બાવળ ખાતે પણ ફરતું પશુ દવાખાનું (એમ્બ્યુલન્સ) કાર્યરત છે. અમરેલી જિલ્લામાં ૨૭ ‘ફરતું પશુ દવાખાનું’ કાર્યરત છે, જેના મારફતે પશુઓને સ્થળ પર જ આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવે છે અને તેનો
લાભ પશુપાલકોને થાય છે.
જંગર રુટનું ફરતું પશુ દવાખાનું પ્રતિદિન ચાર ગામનું પરિભ્રણ કરશે. પંચાયત દ્વારા નક્કી કરવામાં આવેલા ગામોમાં પશુ ચિકિત્સક સાથેની ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા પ્રતિ દિન ૦૨ કલાક ફાળવવામાં આવશે. આ ચકાસણી દરમિયાન પશુઓના આરોગ્ય જાળવણી માટે નિ:શુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે.
પ્રસ્થાન કરવામાં આવેલ ફરતું પશુ દવાખાનું જંગર, સાંરગપુર, ભાયાવદર, બદનપુર જૂના, કોલડા, સનાળા, ઈશ્વરિયા, નાની કુંકાવાવ, બાંભણીયા, માયાપાદર અને જંગર રૂટ પર પરિભ્રમણ કરશે. કુંકાવાવ તાલુકામાં બે એમ્યુબલન્સ દ્વારા ૨૦ ગામોમાં આ સેવાનો હવે સીધો લાભ મળશે. આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ,તાલુકાના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments