અમરેલી

કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીના માઠા સમાચારથી પ્રજા ત્રાહીમામ.. શું વિકાસ કરવો હોય તો મોંઘવારીનો માર પણ સહન કરવો પડે? 

કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીના માઠા સમાચારથી પ્રજા સતત ત્રાહીમામ છે. જાણે કે મોંઘવારીના ભાવ વધારાના સમાચારો હવે રોજીંદો ક્રમ થઇ ગયો છે. સમગ્ર આમ જનતાને લાગુ પડે એવા અનાજના ભાવોમાં પણ વધારો જોવા મળે છે. એજ રીતે , હળદળ, ધાણા, જીરૂના ભાવ પણ વધેલાં જોવા મળે છે. છેલ્લે કોરોનાકાળથી આજ સુધી મોટાભાગની દવાઓમાં પણ વધારો જોવા મળે છે. આ ઉપરાંત અનાજમાં ભાવ વધારાથી ઘરમાં મધ્યમવર્ગ બારમાસનું અનાજ મસાલા ભરતા તે વાતનો લગભગ અંત આવી ગયો છે. જો કે બારે માસનું અનાજ ભરતા પરિવારોની સંખ્યા વેપારીઓના કહેવા મુજબ છેલ્લા ચાર-પાંચ વર્ષથી સતત વધતી મોંઘવારીથી ઘણી ઓછી થઇ છે. પ્રજાને સીધી નજરે અસર ન કરવા છતા પ્રજાની કેડ પર જ પડતા વેરામાં ટોલ ટેકસના વધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા શાકભાજી, ફુટ, અનાજ સમેતની વસ્તુ મોંઘી થાય તેમજ સતત પેટ્રોલ-ડીઝલ, સીએનજી ઉપરના વધારાએ પ્રજાને મોંઘવારીના મરણતોલ ફટકા લાગતા આવ્યા છે. સરકારશ્રી જીએસટી સમતે કોઇપણ ટેકસમાં કોઇને કોઈ વસ્તુએ ઉમેરતા જાય છે.

તેનો ભોગ અંતે તો ઉપભોગતા જ બને છે. કારણ કે વેપારીઓ કે ઉદ્યોગપતિઓ આ ભાવ વધારાનાં નાણાં અંતે તો અંતિમ ઉપભોક્તા પાસેથી જ વસુલતા હોય છે અને એ ખુબજ સ્વાભાવિક પ્રક્રિયા છે. આવા અનેક વધારા પ્રજાને પીડી રહયા છે. જયારે ખાદ્યચીજો કે અન્ય જણસોમાં ભાવ વધારો આવે ત્યારે ગૃહિણીનું બજેટ ખોરવાય એવા અહેવાલો આવતા હોય છે.  સારા ઘરના ગૃહિણીઓ કે કુમળી વયના દિકરા-દીકરીઓ ઘરકામ કરવા કે અન્ય નોકરી કરવા મજબુર જોવા મળે છે . ભણેલ ગણેલ યુવક યુવતીઓ હવે મજબુરીથી માસીક ૮ હજારથી ૧૨ હજારની નોકરી કરવા મજબૂર છે. સીધી કે આડકતરી આવકો ધરાવતા સરકારી નોકરીયાતો અને સંપન્ન વેપારી લોકો સિવાયના સામાન્યજન ત્રાહીમામ છે.છતાં સરકારોના જય જયકાર થઇ રહયા છે.!!! અહીં દુધ, ઘી, છાશ, ખાદ્યતેલ, પેટ્રોલ, અનાજ, દવાની મોંઘવારીનો ઉલ્લેખ થતો હોય છે. પરંતુ ઘર વપરાશની કોઈપણ ચીજો લાઇટબીલો, સ્કૂલ કોલેજ ફી ન્હાવા, ધોવાના સાબુઓ, વોશીંગ પાવડરો, તમામ કોસ્મેટીક અને આવી બાબતોમાં પણ ભાવ વધારાનો ભસ્માસૂર પહોંચી જતો હોય છે. 

મોંઘવારીના હુમલાઓ પ્રજા પર ચારે તરફથી આક્રમણ કરતાં રહે છે. પછી તે દુધ, અનાજ, સ્કુલ કોલેજ ફી વધારો, વાહનો ખરીદીમાં વધારો, બસ કે રેલ્વે ભાડામાં વધારો, તબીબી સરવારમાં વધારો, ટોલટેકસ, પેટ્રોલના ભાવ વધારાની અસરનો સીધો કે આડકતરો વધારો કોર્પોરેશન કે પંચાયતો અને સ્ટેટ અને કેન્દ્ર દ્વારા કોઈને કોઈ ટેકસનો વધારો આવતો જ રહે છે. જે કોઈ વસ્તુ ઉપર ભાવ વધે તે ઉપભોક્તા માટે તો આર્થિક બોજ સમાન જ હોય છે. મનોરંજનમાં ભાવ વધારો ફિલ્મો, ડીસ, મોબાઇલ રીચાર્જીંગમાં વધારાનો માર ઉપલો માધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ સહન કરી રહયા છે. આવા પીડિત વર્ગની નજીક રહેતા લોકો આ વેદનાને મહેસુસ કરતા હોય છે. બાકી એક સુખી સંપન્ન અને આવકો ધરાવતા વર્ગને મોંઘવારીની વેદના કે આક્રોશની સાથે મહદઅંશે કંઇ લેવા દેવા નથી. આ જે  મોંઘવારી, તોતિંગ કરવેરા સમાન્ય પ્રક્રિયા નથી. રાજકારણના બેફામ ખર્ચાઓ મોજમજા લુંટતા અને મોજ મજા લુંટાવતા અમુક જાડી ચામડીના ધરાર નેતાઓને પ્રજાની આ વેદના નજરેચડતી નહીં હોય? લોકૈની પણ સરકાર સામે અવાજ ઉઠાવવાની ક્ષમતા પણ હવે લગભગ ખતમ થઈ ગઈ હોય તેવું લાગે છે . તો વળી વધુમાંવિરોધ પક્ષો પણ હવે વધતી જતી મોંઘવારી સંદર્ભે પાણીદાર વિરોધ ક્યાં કરી રહ્યા છે? વિકાસનો અર્થ અસહ્ય મોંઘવારી જ હોય તો એ વિકાસ આમજનતા માટે કેટલો ઉપકારક એ તો રામ જાણે..!

Related Posts