અમરેલી જિલ્લામાં ખેતી અને ગામડાઓમાં રોજગારીની નવી તકો ઉભી થાય ઉપરાંત ખેતી વ્યવસાય ને સહાયક વ્યવસાયો જેવા કે ખેત ઓજારો બનાવતા કારીગરો અને ઉત્પાદકો તેમજ ખેત યંત્રો બનાવતા ઉત્પાદકોને આગામી સમયમાં એક પ્લેટફોર્મ ઉપર લાવીને આવા ધંધા વ્યવસાયકારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની મદદ તેમજ તેના ઉત્પાદનનું બ્રાન્ડિંગ અને માર્કેટીંગ જેવી બાબતોમાં મદદરૂપ બનીને અમરેલી જિલ્લાનું નામ ઉધોગક્ષેત્રે આગળ આવે તે માટે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમ થકી પ્રયત્નો કરવામાં આવશે તેમ ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ છે.
અમરેલી જિલ્લામાં ખેતીમાં વપરાતા દાતરડીથી લઈને વિવિધ ખેત ઓજારો મોટા પાયે બનાવવામાં આવે છે. ટ્રેકટર, વિવિધ સાતીઓ, જિલ્લા, રાજય અને દેશ બહાર પણ જઈ રહ્યા છે. જે જિલ્લા માટે ગૌરવની બાબત છે. જયારે વિવિધ પ્રકારના નાના ખેત યંત્રો તેમજ મીની ટ્રેકટર અને સનેડા પણ બની રહયા છે. તેને ખેતીમાં કઈ રીતે વધુ ઉપયોગમાં લઈ શકાય ઉપરાંત રાજય બહાર પણ કઈ રીતે સારૂ માર્કેટ મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.
અમરેલી જિલ્લા પાસે મજબુત અને મહેનતકસ ખેડુતો છે. ઉપજાવ જમીન છે ત્યારે જિલ્લાની ખેતીને વિવિધ યોજનાઓના માધ્યમથી ખેડુતોને આધુનિક અને સરકારની યોજનાઓ સાથે સાંકળીને મદદ કરવામાં આવશે. ઉપરાંત એગ્રી અને ઈકો ટુરીઝમ ક્ષેત્રમાં રોજગારી મોટાપાયે છે. તે દિશામાં પણ રીસર્ચ કરવામાં આવી રહયુ છે. અમરેલી જિલ્લાને ૬૦ કિલોમીટરનો દરીયા કિનારો મળે છે. તેના લગત પણ કામગીરી કરવામાં આવશે. કૃષિ, પશુપાલન ક્ષેત્રે હંમેશા આગળ એવા અમરેલી જિલ્લામાં કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે રોજગારી વધે અને આ ક્ષેત્રે વિવિધ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી આ દિશામાં વધુ અગ્રેસર બનવાનો નિરંતર પ્રયાસ કરવામાં આવશે.
અમરેલી જિલ્લામાં દાતરડી થી લઈને જે ખેત ઓજારો બનાવી રહયા છે તે તમામ ખેત ઓજારોના ઉત્પાદકો તેમજ જે ખેત યંત્રો બનાવી રહયા છે તેવા તમામ ઉત્પાદકો એક પ્લેટફોર્મ ઉપર લાવીને આગામી સમયમાં સરકારશ્રીની યોજનાઓની માહિતીની મદદ અને તેના માર્કેટીંગ માટે થોડા મહિનાઓ પછી કૃષિ પરિસંવાદનું આયોજન થશે. તેમજ આ અભિયાનને સફળ બનાવવા માટે અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના મહામંત્રીશ્રી હિરેન હિરપરા સાથે જોડાએલા છે, રાજયના પુર્વ કૃષિમંત્રી અને ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ છે સાથે સાથે આવા ઉત્પાદકો પોતાનું રજીસ્ટ્રેશન મોબાઈલના માધ્યમથી કરી શકે તે માટે ગુગલ લીંક ઉપર ફોર્મ મેળવવા મો.૯૮૭૯૬ ૪૪૭૫૮ ઉપર વોટસએપ કરવાથી ફોર્મ મોકલી આપવામાં આવશે.
Recent Comments