ભાવનગર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા લોકભારતી, સણોસરા ખાતે “પોષણ અને વૃક્ષારોપણ” ના રાષ્ટ્રીય અભિયાનની ઉજવણી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા ઇંડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો- ઓપરેટિવ લી.(ઈફકો), ભાવનગરના સંયુક્ત ઉપક્રમે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ, સણોસરા ખાતે “પોષણ અને વૃક્ષારોપણ”ના રાષ્ટ્રીય અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહ વિજ્ઞાનના નિષ્ણાત શ્રીમતી શિલાબહેન બોરિચાએ સમાજમાં પ્રવર્તમાન કુપોષણ બાબતે લોકોને જાગૃત થવાં જણાવ્યું હતું. જ્યારે શસ્ય વૈજ્ઞાનિક શ્રી જગદીશભાઇ કંટારિયાએ સભામાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને કુપોષણ નિવારવાં માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ષઃ ૨૦૨૦ માં બહાર પાડવામાં આવેલ ઘઉં, ચોખા, મકાઇ, બાજરી, દાડમ વગેરેની કુલ ૧૭ જેટલી બાયો-ફોર્ટિફાઇડ જાતો વિષે માહિતી આપી હતી.

            કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. નિગમ શુક્લએ લોકોને આવકાર આપી સમાજની બદલાઈ રહેલ જીવનશૈલી પર ટકોર કરતાં જણાવ્યું કે, જગતને પોષણ પૂરું પાડનાર અન્નદાતા એવાં ખેડૂત સમાજમાં જો કુપોષણ હોય તો તેનું કારણ માત્ર આર્થિક ગરીબી નહીં પરંતુ જાણકારી અથવા તો જાગરૂકતાનો અભાવ છે. આથી, સમાજમાં નાના બાળકોથી લઈને મોટેરાઓને આહાર, વિહાર અને તંદુરસ્ત જીવનશૈલી બાબતે જાગરૂકતા કેળવાય તેવા પ્રયત્નો ખૂબ જરૂરી છે. ઈફકોના જિલ્લા વ્યવસ્થાપક શ્રી દેવાંગભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારોમાં કુપોષણને દૂર કરવા માટે સરકારશ્રીના પ્રયત્નોની સરાહના કરીને લોકોને આ પ્રયત્નોમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી.

            જિલ્લા પંચાયત, ભાવનગરના સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી સાવિત્રીબહેને ઉપસ્થિત સમૂહને કુપોષણ નિવારવાં માટે સરકારશ્રીની વિવિધ યોજના તેમજ રોજ-બરોજની દિનચર્યામાં સંતુલિત આહાર વિષે વિસ્તૃત માહિતી આપી પરિવાર અને સમાજને તંદુરસ્ત બનાવવા હાકલ કરી હતી. સણોસરા ગામના સરપંચશ્રી હીરાભાઈ સાંબડે વર્ષોથી લોકભારતી સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક પ્રશ્નો બાબતે જાગરૂકતા કેળવવાના પ્રયાસોની પ્રસંશા કરીને આ પ્રયાસમાં પણ ગ્રામ પંચાયત દ્વારા શક્ય તમામ સહયોગ આપવા ખાતરી આપી હતી.

            કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતાં લોકભારતી સંસ્થાના નિયામકશ્રી હસમુખભાઇ દેવમુરારીએ સમાજના આવા સંવેદનશીલ પ્રશ્ન બાબતે ચર્ચામાં ભાગ લેવાં ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈ-બહેનોને અને આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પોષણ અને પર્યાવરણ જેવા મુદ્દે સામાજિક જાગરૂકતા ફેલાવવા પ્રયત્નશીલ તમામ કાર્યકારોને બિરદાવ્યાં હતાં. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકભારતી સંસ્થા પોતાના ઉદ્દેશ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક જીવન સતત સુધરી શકે તે માટે શિક્ષણ, ખેતી, આરોગ્ય જેવા કોઈ પણ પ્રશ્ને હંમેશા પ્રયત્નશીલ છે અને તેને લગતા આવાં પ્રયત્નોમાં સાથ આપવાં કટિબધ્ધ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત ખેડૂત બહેનોને શાકભાજીના વાડોલીયા માટે બિયારણની કીટ અને ફળ-ઝાડના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Posts