કેન્દ્રએ રાજ્ય સરકારને કરી તાકીદ,હોટેલ-રિસોર્ટ વેક્સિન સાથેનાં પેકેજ ઓફર કરશે તો જાહેરનામાનો ભંગ ગણી કડક કાર્યવાહી કરાશે
કેટલીક હોટેલ અ્ને રિસોર્ટ તેમના પેકેજ સાથે કોરોના વેક્સિનેશનની સુવિધા ઓફર કરી રહી છે, જેને કારણે વહીવટી મુશ્કેલી સર્જાય તેમ હોવાથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને તાકીદ કરી છે કે, વેક્સિનેશન સાથેના પેકેજની હોટેલ કે રિસોર્ટ ઓફર કરી શકશે નહીં. આમ છતાં જાે કોઈ હોટલ કે રિસોર્ટ આવી ઓફર કરે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. જાેકે ગુજરાતમાં આવી ઓફર કોઈ હોટેલ કરતી હોય તેવું આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવ્યું નથી તેમ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું હતું.
દરેક વ્યક્તિ કોરોના વેક્સિન લેવાની રાહ જાેઈ રહી છે ત્યારે કેટલીક હોટેલ અને રિસોર્ટ દ્વારા કોરોના વેક્સિન આપવા સાથેના પેકેજની ઓફર થઈ રહી હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારને મળી હતી. આવી રજૂઆતોના પગલે કેન્દ્ર સરકારે દરેક રાજ્યના આરોગ્ય વિભાગને એવી તાકીદ કરી છે કે, કોઈ પણ હોટેલ વેક્સિનેશન સાથેના પેકેજની ઓફર કરી શકશે નહીં. આ પ્રકારના પેકેજ ગાઇડલાઇનનો ભંગ ગણાશે અને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
સરકારે નિયત કરેલાં સ્થળ પર જ વેક્સિન આપવા માટેની માન્યતા માટે માર્ગદર્શિકા અપાઈ છે. આ સિવાય કોઈ પણ સ્થળે અપાતી વેક્સિન અમાન્ય રીતે અપાઈ રહી હોવાનું ગણાય છે.
કોણ કોણ કોરોના વેક્સિન આપી શકે?
૧). સરકારી કોવિડ સેન્ટર
૨). ખાનગી હોસ્પિટલ સંચાલિત કોવિડ સેન્ટર
૩). સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ સંચાલિત વેક્સિનેશન સેન્ટર મારફતે સરકારી કાર્યાલય અને ખાનગી કંપનીમાં કર્મચારીઓને વેક્સિન આપવા માટે યોજાતા કેમ્પ
૪). વડીલો અને શારીરિક રીતે અશક્ત હોય તેવી વ્યક્તિઓ માટે કામચલાઉ ધોરણે કોમ્યુનિટી સેન્ટર, સોસાયટી, પંચાયત ઘર સહિતના માન્ય સ્થળે કોરોના વેક્સિન આપી શકાય છે.
Recent Comments