કામધેનુ યુનિવર્સિટીની ડેરી વિજ્ઞાન મહા વિદ્યાલય, અમરેલી ખાતે સોમવારે કેન્દ્રીય પશુપાલન મત્સ્યોદ્યોગ અને ડેરી મંત્રીશ્રી પરશોત્તમ ભાઈ રૂપાલા અને ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય અમરેલી ખાતે ટ્રેનિંગ સેન્ટરનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું.ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત મળેલા અનુદાનથી અમરેલી ખાતે અદ્યતન ટ્રેનિંગ સેન્ટર નિર્માણ પામશે. આ પ્રસંગે ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે ‘વિકસિત ભારત@૨૦૪૭ યુવાઓનો અવાજ’ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રણ અગત્યના ૦૩ નિર્ણયો થયા. સૌ પ્રથમ દેશના તમામ પશુધનનું નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવ્યુ, પશુઓની સારવાર માટે હરતા ફરતા દવાખાના આપવાનો નિર્ણય થયો. જે પૈકી ૨,૫૦૦ એમ્બ્યુલન્સ દેશમાં કાર્યરત છે. જેના અંતર્ગત આ એમ્બ્યુલન્સને સંચાલન કરવાનો ૬૦ ટકા ખર્ચે પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે અને પર્વતીય વિસ્તારમાં ૯૦ ટકા અને કેન્દ્રીય સંચાલિત પ્રદેશોમાં ૧૦૦ ટકા ખર્ચ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ગોકુલ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય કુળની ગાયોનું સંવર્ધન કરવું તેની ઓલાદની ગુણવત્તા સુધારવી જેના અંતર્ગત ભારત સરકાર દ્વારા બ્રીડ મલ્ટીપ્લીકેશન ફાર્મ માટે ભારત સરકાર દ્વારા ૫૦ ટકા સબસીડી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ૨૦૦ ગાયની ખરીદી કરનાર પશુપાલકને ૪ કરોડના વોલ્યુમમાંથી ૫૦ ટકા સહાય કેન્દ્ર સરકાર આપે છે, આ યોજના અમલી છે. દેશમાં આવા ૧૦૦ ફાર્મ મંજૂર થયા છે. જે પૈકીનું એક ફાર્મ અમર ડેરીને આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારત સરકારની યોજનાઓ, વિદેશમાં થતા પશુપાલન, બ્રાઝિલમાં કાર્યરત ગીર ગાયના સંવર્ધનની પ્રવૃત્તિઓ, એમ્બ્રીયો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા આઈ.વી.એફ.થી અમરેલીમાં જન્મેલી પ્રથમ ગીર ગાયની વાછરડી સહિતના પ્રોજેક્ટ અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ડેરી વિજ્ઞાનમાં બ્રીડ સુધારણા સંશોધન અને પશુપાલનને વૈજ્ઞાનિક ઢબે અપાનાવી અમૃતકાળમાં પશુપાલનને ઉચ્ચે સ્તરે લઈ જવાનું સૂચન કર્યુ હતું.
આ પ્રસંગે એન.સી.યુ.આઈ.ના અધ્યક્ષ અને ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ ડેરી ક્ષેત્રે અમરેલીની અમર ડેરીના યોગદાનની માહિતી આપી હતી. અત્યાર સુધી અમર ડેરી શ્વેત ક્રાંતિ દ્વારા રોજગારીનું માધ્યમ બની હતી પરંતુ ગીર ગાયના એમ્બ્રીયો ટ્રાન્સપ્લાન્ટ અને એમ્બ્રીયો નિર્માણના પ્રોજ્કેટ બાદ આ વિસ્તારમાં રોજગારી સાથે સમૃધ્ધિનું માધ્યમ બનશે. કામધેનુ યુનિવર્સિટી સંચાલિત ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, અમરેલી ખાતે રાષ્ટ્રીય ગોકુલ મિશનના અનુદાનથી ત્રણ માળનું અદ્યતન ટ્રેનિંગ સેન્ટર નિર્માણ પામશે. આ સેન્ટરમાં દિવ્યાંગજનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. આ સેન્ટરના માધ્યમથી ડેરી ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા પશુપાલકોને તથા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તાલીમ આપવામાં આવશે.
કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ અને ડીન શ્રી ડૉ. રામાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.એન.એ. કેલાવાલાએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, ડેરીના એમ.ડી.શ્રી ડો.આર.એસ. પટેલ, યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એમ.એમ. ત્રિવેદી. કૂલ સચિવશ્રી ડો કે.કે. હડીયા, અગ્રણીશ્રી જયંતિભાઇ પાનસુરિયા, શ્રી ભાવનાબેન ગોંડલિયા, કોલેજના પ્રાધ્યાપકો, અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments