લોકસભા ચૂંટણીને લઈને હવે ગુજરાત ભાજપ એક્શનમાં આવી છે. પેજસમિતિ તથા મોદીની ગેરંટી પર ચૂંટણી જીતવા કવાયત હાથ ધરાઇ છે. અગાઉ ધારાસભ્યોના ક્લાસ લીધા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાંસદોના પણ ક્લાસ લીધા છે. કેન્દ્રીય પ્રધાનો સહિત ગુજરાતના સાંસદો સાથે દિલ્હીમાં બેઠક મળી હતી. જેમાં સી આર પાટીલે સાંસદોના ક્લાસ લીધા હતા. તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા સાંસદોને ટકોર કરી હતી. દિલ્હીમાં મળેલી આ બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હતી.
સાંસદોને તેમની લોકસભા બેઠકોમાં બુથ મજબૂત કરવાથી લઈ પેજસમિતિ સુધી કામ કરવા સૂચના આપવામાં આવી હતી. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૬માંથી ૨૬ બેઠકો પ્રાપ્ત થઇ હતી, ત્યારે આ વખતે પણ ભાજપ ૨૬ બેઠક જાળવી રાખે તે માટે ભાજપ એક્શન મોડમાં જ છે. સી આર પાટીલ દ્વારા આ માટે સતત તૈયારીઓ ચાલી રહી છે. આ પહેલા પણ સી આર પાટીલે ધારાસભ્યોના ક્લાસ લીધા હતા.તાજેતરમાં જ સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની મર્યાદા યાદ અપાવી દીધી. તેમણે ધારાસભ્યોને કહી દીધુ કે તેમને જે મત મળ્યા છે તે તેમની નહીં વડાપ્રધાન મોદીની તાકાતથી મળ્યા છે.
Recent Comments