અમરેલી તા.૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ (સોમવાર) આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રભક્તિના આ પર્વમાં દેશના ગામે ગામથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવી હતી. આ કડીના ભાગરૂપે કાર્યક્રમના બીજા ચરણમાં ‘અમૃત કળશ’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત અમરેલી જિલ્લાના વાંકીયા ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને નહેરૂ યુવા કેન્દ્ર- જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અમર ડેરીના ચેરમેનશ્રીના સહયોગથી ‘અમૃત કળશ’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય સર્વેશ્રી જનકભાઈ તળાવિયા, કંચનબેન રાદડિયા, ઈફ્કોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે વાંકીયા ગામના રહેવાસી અને પૂર્વ સૈનિકશ્રી મગનભાઈ મહિડાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાંકીયા ગામના ગ્રામજનો દ્વારા એકઠી કરવામાં આવેલી માટીને ‘અમૃત કળશ’માં એકત્ર કરીને ભરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય મંત્રી શ્રીએ ગ્રામજનોને આ કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું અને પ્રથમ ચરણમાં યોજાયેલા કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ જિલ્લા યુવા અધિકારીશ્રી શિખર રસ્તોગી દ્વારા સૌને અમૃતકાળના પંચપ્રણના શપથ લેવડાવામાં આવ્યા હતા. કાર્યક્રમમમાં શીલાફલકમ પર અમૃત કળશ મૂકીને વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઈફ્કોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ કાર્યક્રમને અનુરૂપ પ્રેરક સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ગામના સરપંચશ્રી નયનાબેન દંતેવાડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમના બીજા ચરણ અન્વયે જિલ્લા પંચાયતના નેજા હેઠળ દરેક ગ્રામ પંચાયતમાં ‘અમૃત કળશ યાત્રા’ યોજવામાં આવી રહી છે. જેમાં અમૃત કળશમાં દરેક ઘરમાંથી એક મુઠ્ઠી માટી એકત્ર કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વન’ તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાં આવશે.
કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ સુતરિયા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, અમદાવાદના ઠક્કરબાપા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કંચનબેન રાદડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરીયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી યુવા સ્વયંસેવક શ્રી કિશનભાઈ શીલુ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે નહેરૂ યુવા કેન્દ્રના અધિકારી-કર્મચારીશ્રી વિકાસ કુમાર, યુવા સ્વંયસેવકશ્રી શિવમભાઈ ગોસાઈ, ભૂષણભાઈ જોશી, જિલ્લાના આગેવાનશ્રીઓ, રાજેશભાઈ કાબરીયા, મેહુલભાઈ ધોરાજીયા, ભૂપેન્દ્રભાઈ બસીયા, મનીષભાઈ સંઘાણી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા તેમ જિલ્લા યુવા અધિકારીશ્રી, નહેરૂ કેન્દ્ર, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments