સૌરાષ્ટ - કચ્છ

કેન્દ્રીય મંત્રી યાત્રાધામ સોમનાથ અને મંદિર પરીસરમાં થયેલા વિકાસથી પ્રભાવિત થયા

આજરોજ જગવિખ્યાત સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેન્દ્રીય નાણાંમંત્રી આવી પહોંચ્યા હતા. તેમણે મહાદેવના અભિષેક કરી શીશ ઝુકાવ્યુ હતુ. બાદમાં સ્થાનીક ભાજપના આગેવાનો સાથે સોમનાથ મંદિર અને પરીસરમાં થયેલા અને ચાલતા વિકાસકામોની મુલાકાત લઈ જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા.સોરઠના પ્રવાસે આવેલા કેન્દ્ર સરકારના રાજ્ય નાણામંત્રી ડો. ભાગવત કરાડ સાંજે સ્થાનિક અગ્રણીઓ સાથે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓએ સોમનાથ મહાદેવને પુષ્પો, હાર, બિલ્વપત્ર સહિત પૂજન સામગ્રીઓ અર્પણ કર્યા બાદ ગંગાજળ અભિષેક કરીને શીશ ઝુકાવ્યુ હતુ. કેન્દ્રીય મંત્રી ડો.કરાડએ દેશની પ્રગતિ અને દેશવાસીઓની સમૃદ્ધિ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. આ તકે મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ મોમેન્ટો આપીને મંત્રીજીનું સન્માન કર્યુ હતુ.

આ તકે મંદિર પરીસરમાં રહેલ સરદાર પટેલમી પ્રતિમાને કેન્દ્રીય મંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં કેન્દ્રીય મંત્રી ડો.કરાડએ સ્થાનીક ભાજપના આગેવાનો અને મંદિરના અધિકારીઓ સાથે મંદિર પરીસર અને આસપાસમાં આવેલા સમુદ્ર દર્શન પથ, દક્ષિણ ધ્રુવ સહિતના વિકાસકામોની મુલાકત લીધી હતી. આ સાથે યાત્રાધામમાં યાત્રી સુવિધા અર્થે ચાલતા વિકાસકામો ની માહિતી મેળવેલ તેમજ સોમનાથ મંદિરના જાજરમાન ઈતિહાસથી માહિતગાર બની પ્રભાવિત થયા હતા. આ મુલાકાત વેળાએ મંત્રીજી સાથે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પાલીકા પ્રમુખ પીયુષભાઈ ફોફંડી, તાલુકા પ્રમુખ હરદાસભાઈ સોલંકી સહિતના સાથે રહ્યા હતા.

Related Posts