ગુજરાત

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે

અમરેલી, ઉપલેટા અને રાણાવાવ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૭ અને ૧૮ ઓગષ્ટના રોજ પોરબંદર લોકસભા વિસ્તારની મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન તા. ૧૭ ઓગષ્ટના રોજ ગોંડલ તથા જેતપુર ખાતે કેન્દ્રીય બજેટ પર પ્રબુદ્ધ નાગરિકો તથા ઉધોગપતિઓ સાથે પરિસંવાદ કરશે.

ત્યારબાદ તેઓ અમરેલી ખાતે ખજૂરી, કુકાવાવ મુકામે આયોજિત ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ૧૦૦૦ વૃક્ષારોપણ સમારોહમાં હાજરી આપી તરવડા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જીવન વિકાસ શિબિરમાં હાજરી આપશે. તા. ૧૮ ઓગષ્ટના રોજ સવારે ૯ વાગ્યે ઉપલેટા ગુરુનાનક મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન શિબિરનું દીપ પ્રાગટ્ય કરી શરુઆત કરશે. સવારે ૧૧ વાગ્યે રાણાવાવ ખાતે માલધારી નેસ નિવાસી માલધારીઓની મુલાકાત લેશે. પોરબંદર ખાતે બપોરે ૨ વાગ્યે રાજપૂત સમાજની વાડી ખાતે પોરબંદરના પ્રબુદ્ધ નાગરીકો સાથે પરિસંવાદ કરશે. ત્યારબાદ ભોદ, રાણાવાવ ખાતે ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

Related Posts