કેન્દ્ર સરકારના વિદેશ વિભાગના કર્મચારીની ઓળખ આપી વેપારી સાથે ૭૫ લાખની છેતરપીંડી
મોરબીના નઝરબાગ રોડ પર ઓમ એપાર્ટમેન્ટના રહેવાસી અનિલભાઈ ઠક્કરે આરોપી પંકજકુમાર સોલંકી અને પ્રેમસાગર સોલંકી રહે બંને અમદાવાદ વાળા વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૬માં તેઓ અમદાવાદ મિત્ર જયદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાને મળવા ગયા હોય ત્યારે અમદાવાદ રહેતા પંકજસિંહ સોલંકી સાથે ઓળખાણ કરાવી હતી. જે સમયે તેઓએ જણાવ્યું હતું કે, જમીન મિલકત લે વેચનું કામ કરે છે. તેઓ જુના આઈ આર એસ થયેલ છે જે અગાઉ ભારત સરકારના વિદેશ વિભાગમાં ઇંગ્લેન્ડ ફરજ બજાવતા હતા અને વર્લ્ડ બેંક યુકે માં મોટા હોદા પર હતા. તેઓ હાલ વીવીઆઈપીના વિદેશ કાર્યક્રમોની ઇવેન્ટ મેનેજમેન્ટ કામ કરે છે જેથી મુલાકાત બાદ જુન મહિનામાં બે વખત તેઓ ટીંબડી પાટિયા પાસે આવેલ નવરચના સ્ટોન યુનીટે આવ્યા હતા અને વીવીઆઈપી કાર્યક્રમ માટે સોમનાથના કોન્ટ્રાકટરને રૂપિયા આપવાના હોય હજુ દિલ્હીથી રૂપિયા આવ્યા નથી. જેથી નાણાની જરૂરત હોવાનું કહીને ૧૦ લાખની માંગણી કરતા પંકજસિંહને રૂ.૧૦ લાખની વ્યવસ્થા કરી આપી હતી.
જે દસ દિવસમાં પરત આપી દીધા હતા અને આરોપીએ વ્યવહાર ચોખ્ખો છે એવી છાપ ઉભી કરી હતી. બાદમાં જુલાઈ મહિનાના પ્રારંભે અમદાવાદ જમીન ખરીદી કરી છે અને બે કરોડની રકમની જરૂર છે. બે ત્રણ મહિના માટે ૨ કરોડ હાથ ઉછીના આપે તો જમીન ખરીદીમાં સરળતા રહે અને બાકીના નાણા માલિકને ચૂકવી ના સકે તો મોટું નુકશાન થશે તેવું કહેતા ફરિયાદીએ ભાગીદારી પેઢી જેઠવા સ્ટોન પ્રોડક્ટમાંથી આરટીજીએસ તા.૦૫/૦૮/૨૦૧૭ના રોજ રૂ.૨૫ લાખ અને તા.૧૯/૦૯/૨૦૧૯ના રોજ ૫૦ લાખ કરી આપ્યું હતું. બાદમાં ૭૫ લાખ મારી ભાગીદારી પેઢીને ચુકવવા માટેની કબુલાત તા.૦૩/૦૭/૨૦૨૨ના રોજ સાણંદના નોટરી જી કે સોલંકી સમક્ષ રૂ.૩૦૦ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ લખાણ કરી આપેલ પરંતુ બાદમાં કોરોના બાદ જમીન વેચાતી નથી અને મંદીના કારણે અવારનવાર વાયદા આપવા છતાં રૂપિયા પરત આપ્યા ના હતા.
આમ મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લીના ડાયરેક્ટર પંકજકુમાર સોલંકી અને પ્રેમસાગર સોલંકી રહે બંને અમદાવાદ વાળાએ ગુનાહિત કાવતરું આરોપી પંકજ દ્વારા ફરિયાદી વેપારીને રાજપૂત સમાજમાંથી આવતા હોવાની ખોટી ઓળખ અને પરિચય આપી વીવીઆઈપીના અંગત મિત્ર અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગના મહત્વના કર્મચારી અને વહીવટ કરતા હોવાની ઓળખ આપી ૭૫ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
Recent Comments