કેન્દ્ર સરકારે પીએફઆઈને ગેરકાયદેસર સંસ્થા કરી જાહેર, ૫ વર્ષનો પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું
કેન્દ્રની મોદી સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પી.એફ.આઈ) પર પ્રતિબંધ મૂકી દીધો છે. પી.એફ.આઈ પર પ્રતિબંધ મૂકવાની અનેક રાજ્યોએ માંગણી કરી હતી. હાલમાં જ (એન.આઈ.એ)અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણાઓ પર દરોડા પાડીને સેંકડો ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયે પીએફઆઈને ૫ વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. પીએફઆઈ ઉપરાંત ૮ સહયોગી સંગઠનો ઉપર પણ કાર્યવાહી કરી છે. પી.એફ.આઈ ઉપરાંત રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (આર.આઈ.એફ), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (સી.એફ.આઈ), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (એ.આઇ.આઇ.સી), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (એન.સી.એચ.આર.ઓ), નેશનલ વીમેન ફ્રન્ટ, જૂનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન (કેરળ) જેવા સહયોગી સંગઠનો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૨૨ સપ્ટેમ્બર અને ૨૭ સપ્ટમ્બરના રોજ એન.આઈ.એ, ઇડી અને રાજ્યોની પોલીસે પી.એફ.આઈ પર તાબડતોડ દરોડાની કાર્યવાહી કરી હતી. પહેલા રાઉન્ડની કાર્યવાહીમાં પીએફઆઈ સંલગ્ન ૧૦૬ લોકોની ધરપકડ થઈ હતી. બીજા રાઉન્ડની કાર્યવાહીમાં પી.એફ.આઈ સંલગ્ન ૨૪૭ લોકોની ધરપકડ કે અટકાયત કરવામાં આવી.
તપાસ એજન્સીઓને પી.એફ.આઈ વિરુદ્ધ પૂરતા પુરાવા મળયા. ત્યારબાદ તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય પાસે કાર્યવાહીની માંગણી કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો છે. આ મામલાઓમાં પીએફઆઈની ભૂમિકાની તપાસ આ રીતે થઇ હતી. જેમાં પટણા-ફૂલવારી શરીફમાં ગઝવાએ હિન્દ સ્થાપિત ક રવા માટે મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. જેમાં (એન.આઈ.એ) એ હાલમાં દરોડો પણ પાડ્યો હતો. તેલંગણા નિઝામાબાદમાં કરાટે ટ્રેનિંગના નામ પર પી.એફ.આઈ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે. એન.આઈ.એ આ મામલે પણ દરોડા પાડી ચૂકી છે. કર્ણાટક પ્રવીણ નેત્તરુ હત્યા મામલે પી.એફ.આઈના ફંડિંગની ભૂમિકા ઉપર પણ તપાસ થઈ હતી.
નાગરિકતા કાયદાને લઈને ઉત્તર પ્રદેશમાં હિંસા થઈ જેમાં પી.એફ.આઈ સંલગ્ન આરોપીઓના ત્યાંથી આપત્તિજનક સામગ્રીઓ, સાહિત્ય સીડીઓ મળી હતી જેને આધાર બનાવીને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા નામના સંગઠનને બેન કરવાનો પ્રસ્તાવ યુપી સરકારે મોકલ્યો હતો. પીએફઆઈ હાલ દિલ્હી, આંધ્ર પ્રેદશ, આસામ, બિહાર, કેરળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં એક્ટિવ છે. ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે પીએફઆઈ અને તેમના સહયોગી સંગઠન ગુપ્ત એજન્ડા હેઠળ સમાજના એક વર્ગને કટ્ટર બનાવીને લોકતંત્રની અવધારણાને નબળી કરવાની દિશામાં કામ કરે છે અને દેશના બંધારણીય ઓથોરિટી અને બંધારણીય માળખા પ્રત્યે ઘોર અનાદર દાખવે છે. પીએફઆઈ અને તેના સહયોગી સંગઠન કાયદા વિરુદ્ધ ગતિવિધિઓમાં સંડોવાયેલા રહ્યા છે. જે દેશની અખંડિતતા, સંપ્રભુતા અને સુરક્ષા સામે ખતરો છે અને તેનાથી શાંતિ અને સાંપ્રદાયિકતા સદભાવનો માહોલ ખરાબ થવા અને દેશમાં ઉગ્રવાદને પ્રોત્સાહન મળવાની આશંકા છે.
Recent Comments