કેન્સરની બિમારીમાં સારવાર માટે મારા પિતાને PMJAY હેઠળ રુ.૦૫ લાખની સુધીની સહાય મળી, સરકારનો આભાર – અભિષેક પાલનપુરા
વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશને ‘વિકસિત ભારત’ બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ’ યાત્રા શરુ છે. આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓને રાજ્ય સરકારના માધ્યમથી જન જન સુધી લઈ જવામાં આવી રહી છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ પરિભ્રમણ કરી રહ્યા છે. કુંકાવાવ-વડિયા તાલુકાના મોટા ઉજળા ગામે સંપન્ન થયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી અભિષેકભાઈ પાલનપુરા (બારોટ)એ તેમના પરિવારને મળેલી આયુષમાન કાર્ડ (PMJAY)ની સહાય અંગે પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. અભિષેક ભાઈના પિતાશ્રી કેન્સરની બિમારીથી જજૂમી રહ્યા હતા ત્યારે તેમને આયુષમાન કાર્ડ (PMJAY)ની સહાય મળી છે, કેન્સરની સારવાર દરમિયાન પરિવારજનો પર આવી પડેલી આફત સામે રક્ષણ મળ્યું છે, તેમાં આયુષમાન કાર્ડ આશીર્વાદ સમાન બન્યું છે. તેમણે જણાવ્યુ કે, “મારા પિતાને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બિમારી હતી. તેમની એ સારવાર માટે થનારા ખર્ચ માટે એકસાથે આ રકમની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ હતું.
રાજકોટ સ્થિત કેન્સર હૉસ્પિટલમાં મારા પિતાની ઘનિષ્ઠ સારવાર કરવામાં આવી, પિતાની સારવારનો રુ.૦૫ લાખ સુધીનો ખર્ચ થયો જે આયુષમાન કાર્ડ દ્વારા સહાયથી શક્ય બન્યો. કેન્સર સામે ઝઝુમતા પિતાનું થોડા દિવસો પહેલા અવસાન થયું. આશીર્વાદ સમાન આયુષમાન કાર્ડ એ સૌ માટે લાભદાયી છે. આયુષમાન કાર્ડ મળવાપાત્ર હોય તેવા સૌ કોઈએ આ યોજનાનો લાભ અચૂક લેવો જોઈએ. આ યોજનાની સહાય અમારા પરિવારજનોને મળી તે રહી બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરુ છુ.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રુ. ૦૫ લાખથી વધારીને રુ.૧૦ લાખ કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ એ એવી સુવિધા છે કે તે ગરીબ અને વંચિત પરિવારને ખાતરી આપે છે. પરિવાર પર આવેલ આવી આરોગ્યલક્ષી આપત્તિ અને તેની અસરોને પહોંચી વળવા માટે યોગ્ય સારવાર થાય અને તે સારવાર માટે થતાં મોટી રકમના ખર્ચની નબળી અસરો સામે રક્ષણ મળી રહેશે.
Recent Comments