અમરેલી

કેબિનેટ મંત્રીરૂપાલા સાહેબના હસ્તે સલડીના ડૉ. કેતન કાનપરિયાના પુસ્તક “ભારતીયતા : એક વિશિષ્ટ ભાવધારા”નું વિમોચન થયું.

સ્કૂલ ઑફ સાયન્સ,અમરેલી ખાતે કરવામાં આવ્યું. આ પુસ્તક વિમોચનના કાર્યક્રમનું અધ્યક્ષપદ શ્રી રૂપાલા સાહેબે શોભાવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ આંતરરાષ્ટ્રીય કક્ષાના વાંસળીવાદક ડૉ. સંજીવભાઈ ધારૈયાના સુમધુર વાંસળીવાદનથી થયો. ત્યાર બાદ ઓક્સફર્ડ સ્કૂલ ઑફ સાયન્સના સ્વપ્નદૃષ્ટા શ્રી મયુરભાઈ ગજેરાએ ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટોથી ડૉ. કેતન કાનપરિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

એન. કંપાણી કૉલેજ, માંગરોળના એસોશિએટ પ્રોફેસર ડો. રમેશ મહેતાએ “ભારતીયતા : એક વિશિષ્ટ ભાવધારા” પુસ્તક વિશે ટુંકમાં વાત કરીને આ પુસ્તકને આવકાર આપ્યો. ત્યાર પછી આણંદ આટર્સ કૉલેજ, આણંદના એસોશિએટ પ્રોફેસર ડૉ. ગુણવંત વ્યાસે વિમોચન થનાર પુસ્તક વિશે પોતાના અભ્યાસપ્રદ અવલોકનો રજુ કર્યા. ત્યાર બાદ વિશિષ્ટ પ્રકારના મનમોહક ભરતકામવાળા રૂમાલમાં બંધાયેલા પુસ્તક “ભારતીયતા : એક વિશિષ્ટ ભાવધારા”નું શ્રી રૂપાલા સાહેબે વિમોચન અને ગ્રંથાર્પણ કર્યું. આ પ્રસંગે સલડી ગામ તરફથી શ્રી ચુનીભાઈ આદ્રોજાએ તથા શ્રી વિનુભાઈ દેસાઈએ ડૉ. કેતન કાનપરિયાનું પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટોથી સન્માન કરીને સમ્રગ સલડી ગામનો હરખ વ્યક્ત કર્યો.

ડૉ. કેતન કાનપરિયાએ પોતાની આગવી શૈલીમાં આ પુસ્તક વિશે પોતાનો પ્રતિભાવ આપ્યો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટના નિયામક ડૉ. જે. એમ. ચંદ્રવાડિયાએ આ પુસ્તક વિશે-મિષે પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના અધ્યક્ષ ડૉ. મહેન્દ્રસિંહ પરમારે પણ આ પુસ્તકના ગ્રંથાર્પણ નિમિત્તે પ્રસંગોચિત વાત કરી. આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રૂપાલા સાહેબે પોતાની લાક્ષણિક છટામાં ભારતીયતા વિશે વાતનો વિધિવત્ પ્રારંભ કર્યો.

તેમણે ભારતીય પ્રજાની જીવનશૈલીમાં ભારતીયતા ક્યાં-કયાં અને કઈ-કઈ રીતે પ્રતિબિમ્બિત થતી રહી છે એની ઉદાહરણો સાથે સુંદર વાત કરી. તેમણે આ પુસ્તકના વિમોચન પ્રસંગે પોતાનો સવિશેષ રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે…….. “ સાંપ્રત સમયમાં જયારે સાંસ્કૃતિક દૃષ્ટિએ કપરો કાળ ચાલી રહ્યો છે અને ભારતીય સંસ્કૃતિ ઉપર અનેક પ્રકારના આક્રમણો થઇ રહ્યા છે ત્યારે ડૉ. કેતન કાનપરિયાના પુસ્તક “ભારતીયતા : એક વિશિષ્ટ ભાવધારા” નું પ્રાગટ્ય એ ખૂબ મોટી ઘટના છે.” તેમણે અધ્યક્ષીય પ્રવચનમાં ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસાને વિવિધ સંદર્ભો સહીત યાદ કરીને ઉપસ્થિત સૌ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા. આ કાર્યક્રમના અંતે ડૉ. કેતન કાનપરિયાએ પોતાના પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ શ્રી રૂપાલા સાહેબનો સવિશેષ આભાર માન્યો.

આ ઉપરાંત ડૉ. કેતન કાનપરિયાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડો. રમેશ મહેતા, ડૉ. ગુણવંત વ્યાસ, ડૉ. જે. એમ. ચંદ્રવાડિયા, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શ્રી વિપુલભાઈ દુધાત, શ્રી સોલંકી સાહેબ, ડૉ. સંજીવભાઈ ધારૈયા, ઓક્સફર્ડ સ્કૂલ ઑફ સાયન્સના સર્વે સંચાલકો, કાનપરિયા પરિવાર, સગા-સંબંધીઓ, સલડીના ગ્રામજનો અને ઉપસ્થિત સૌનો આભાર માન્યો.

આ આભારવિધિના અંતે ડૉ. કેતન કાનપરિયાએ અમરેલીની ઓળખ એવા યુગંધર કવિ શ્રી રમેશ પારેખની ગઝલનો એક સુપ્રસિદ્ધ શેર ગાઈને ઉપસ્થિત સૌ પ્રત્યે પોતાના અંતરનો ઉમળકો પણ પ્રગટ કર્યો. આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન બગસરાના કવિ શ્રી સ્નેહી પરમારે તેમની લાક્ષણિક શૈલીમાં સંપન્ન કર્યું. અમરેલી જિલ્લામાં ખૂબ લાંબા સમય બાદ કોઈના સંશોધનગ્રંથના વિધિવત્ વધામણા થયાનો આ અનોખો શબ્દોત્સવ ઉપસ્થિત સૌ શ્રોતાજનો માટે સાચા અર્થમાં અવિસ્મરણીય બની રહ્યો.

Related Posts