ગુજરાત

કોંગ્રેસે  કિરીટ પટેલને મનાવવા મંજૂલા રાઠોડને જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદ પરથી દૂર કર્યા

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ 2022માં યોજાવા દરમિયાન કોંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટાયા હતા. જેમાંથી એક ધારાસભ્ય દ્વારા રાજીનામુ ધરવામાં આવતા હવે સંખ્યાબળ માત્ર 16નું જ રહેવા પામ્યુ છે. આ દરમિયાન હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ નારાજગી દૂર કરવા માટે હવે કોંગ્રેસે તેમની રજૂઆત મુજબના પગલાં લેવાની રહી રહીને આક્રમતા દર્શાવી છે.

આમતો જે રીતે નારાજગીના સૂર હતા એ મુજબ પાટણના કોંગ્રેસી ધારાસભ્યએ પહેલાથી જ મંજુલા પ્રવિણભાઈ રાઠોડને લઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓની રજૂઆત કરી હતી. પરંતુ તે અંગે પગલાં નહીં ભરાતા હોવાની નારાજગી જોવા મળી હતી. પરંતુ નારાજગીના સૂર નિકળતા વેંત કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો હતો. આ દરમિયાન ભાજપના ઉત્તર ગુજરાતના નેતાઓએ પણ તેમની સાથે મુલાકાતોનો દોર શરુ કર્યો હતો, ત્યાં જ કોંગ્રેસે હવે કિરીટ પટેલને મનાવી લેવા પ્રયાસ શરુ કર્યા છે. આ માટે રજૂઆત મુજબ હવે મંજૂલા રાઠોડને જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદ પરથી દૂર કરી દીધા છે.

Related Posts